મુંબઈમાં ‘બેસ્ટ’ની હડતાળ 9મા દિવસે સમાપ્ત થઈ; કર્મચારીઓનો પગાર વધારવા સરકાર સહમત થઈ

મુંબઈ – મહાનગરમાં જાહેર બસ સેવા પૂરી પાડતી સિવિક ટ્રાન્સપોર્ટ કંપની BEST (બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ના કર્મચારીઓએ મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશનું પાલન કરીને એમની બેમુદત હડતાળ આજે પાછી ખેંચી દીધી છે. કર્મચારીઓને પગારવધારો વચગાળા સ્વરૂપે આ જ મહિનાથી ચૂકવવાનું શરૂ કરવા અને 2016ની સાલથી બાકી રહેલી એરિયર્સની રકમ પણ ચૂકવી દેવા સહિતની મુખ્ય માગણીઓનો સરકારે સ્વીકાર કરી લીધા બાદ કર્મચારીઓએ એમની હડતાળનો અંત લાવી દીધો છે.

આ હડતાળ આજે 9મા દિવસમાં પ્રવેશી હતી, પરંતુ આજે જ હડતાળ સમાપ્ત કરી દેવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ વડાલા ઉપનગર સ્થિત બસ ડેપો ખાતે બેસ્ટ કર્મચારીઓના યુનિયનના લીડર શશાંક રાવે હડતાળ પાછી ખેંચી લીધાની જાહેરાત કરી હતી.

મુંબઈ હાઈકોર્ટે આજની સુનાવણીમાં બેસ્ટ કર્મચારીઓનો પગાર વધારવાની માગણીને માન્ય રાખી હતી અને પગાર વધારી દેવાનો બેસ્ટ પ્રશાસનને આદેશ આપ્યો હતો. કર્મચારીઓને જાન્યુઆરી-2019થી પગાર વધારાની રકમ 2016ની સાલથી અમલમાં આવે એ રીતે 10-ભાગમાં ચૂકવી દેવાામાં આવશે.

ડેપો ખાતે સેંકડો કર્મચારીઓની હાજરીમાં કર્મચારીઓની બેસ્ટ કૃતિ સમિતિના અધ્યક્ષ રાવે સંબોધનમાં કહ્યું હતું કે પગારવધારા સહિતની આપણી મુખ્ય માગણીઓનો સત્તાધિશોએ સમ્માનજનક રીતે સ્વીકાર કરી લીધો છે તેથી આપણે હડતાળ પાછી ખેંચી લઈએ છીએ. રાવે કર્મચારીઓના તાળીઓના ગડગડાટ અને હર્ષનાદો વચ્ચે જણાવ્યું હતું કે કર્મચારીઓના પગારમાં આશરે રૂ. 7000 જેટલો વધારો થશે.

શશાંક રાવે કહ્યું કે રાજ્ય સરકારની ઈચ્છા તો એવી હતી કે આપણે એની બધી વાત માની લઈએ. એટલે કે એ જે કહે એ આપણે સ્વીકારી લઈએ. સરકારનું કહેવું હતું કે ડ્રાઈવરોનું કામ કંડક્ટરોએ કરવાનું અને કંડક્ટરોનું કામ ડ્રાઈવરોએ કરવાનું. પગાર વધારવાની માગણી કરવાની નહીં. કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર જે હજારો લોકોને નોકરી પર રાખવામાં આવ્યા છે એને પણ આપણે માન્ય રાખવા. એ તો આપણા માટે ડેથ વોરંટ સમાન હતું જેનો સ્વીકાર કરવાનો મેં ઈનકાર કરી દીધો હતો.

રાવે કહ્યું કે, સરકારે હવે આપણી બધી મુખ્ય માગણીઓ સ્વીકારી લીધી છે. કર્મચારીઓને પગાર વધારાની રકમ આ જ મહિનાથી મળતી થશે અને તે 10-ભાગમાં ચૂકવવામાં આવશે.

કર્મચારીઓની માગણીઓને સરકારે સંતોષજનક રીતે સ્વીકારી લીધા બાદ કર્મચારીઓના યુનિયને મુંબઈ હાઈકોર્ટને ખાતરી આપી હતી કે તેઓ આજથી જ હડતાળનો અંત લાવી દેશે.

વડાલા ડેપો ખાતે શશાંક રાવની જાહેરાત બાદ તરત જ મુંબઈમાં ધીમે ધીમે બસસેવા પૂર્વવત્ કરવામાં આવી હતી.

મુંબઈમાં બેસ્ટ કંપની દરરોજ 3,200 જેટલી બસો દોડાવે છે અને 80 લાખથી વધારે લોકો એમાં પ્રવાસ કરે છે. મુંબઈમાં જાહેર ટ્રાન્સપોર્ટની દ્રષ્ટિએ લોકલ ટ્રેનો બાદ બેસ્ટની બસો બીજા નંબરે આવે છે. બેસ્ટ કંપની મુંબઈ, તેના ઉપનગરો ઉપરાંત પડોશના નવી મુંબઈ અને થાણે શહેરોમાં પણ બસ સેવા ચલાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]