એરપોર્ટ પર સાડા-ત્રણ કલાક વહેલા પહોંચવાની સલાહ

મુંબઈઃ નાતાલ અને નવા વર્ષની રજાઓની મોસમ નજીક આવી રહી છે ત્યારે શહેરની બહાર ફરવા જનારાઓની સંખ્યા અત્યારથી જ વધવા માંડી છે. લોકોનાં મૂડને ધ્યાનમાં લઈને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલકોએ પ્રવાસીઓ માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી એક સલાહ બહાર પાડી છે.

આંતરરાષ્ટ્રીય સ્થળોએ પ્રવાસ કરનારા તમામ પેસેન્જરોને જણાવવામાં આવ્યું છે કે તહેવારની મોસમમાં ધસારો થવાને કારણે એમણે તેમની ફ્લાઈટના સમયથી ઓછામાં ઓછા સાડા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જવું. ડોમેસ્ટિક પેસેન્જરોને બોર્ડિંગ ટાઈમ કરતાં ઓછામાં ઓછા અઢી કલાક વહેલાં એરપોર્ટ પહોંચી જવાનું જણાવવામાં આવ્યું છે.