મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ 22-ડિસેમ્બરથી સપ્તાહના પાંચ-દિવસ દોડશે

મુંબઈઃ પશ્ચિમ રેલવે જાહેરાત કરી છે કે પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં લઈને મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને સપ્તાહના ચારને બદલે પાંચ દિવસ દોડાવવામાં આવશે.

આ ટ્રેન હવે 22મી ડિસેમ્બરથી દર અઠવાડિયે બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના વડા જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું કે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.45 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે રાતે 10.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. એવી જ રીતે, વળતી સફરમાં ટ્રેન અમદાવાદથી આ પાંચ દિવસોએ સવારે 6.40 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે બપોરે 1.05 વાગ્યે મુંબઈ પહોંચશે. બંને દિશાની સફર વખતે ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનોએ ઊભી રહેશે.