મુંબઈમાં 3 વર્ષનો છોકરો ખુલ્લી ગટરમાં પડી ગયો, મૃતદેહ ન મળતાં લોકોએ કર્યું રસ્તારોકો આંદોલન

મુંબઈ – અહીંના ગોરેગામ ઉપનગરના પૂર્વ ભાગમાં આવેલા આંબેડકર નગરમાં મંગળવારે રાતે લગભગ 10.24 વાગ્યાના સુમારે ખુલ્લી ગટરમાં પડીને ત્રણેક વર્ષનો એક છોકરો ડૂબી ગયાને 14 કલાક થઈ ગયા છે તે છતાં એનો મૃતદેહ ન મળતાં સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી ફરી વળી છે અને લોકોએ આજે રસ્તારોકો આંદોલન કર્યું હતું.

રસ્તારોકો આંદોલનને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામ થયો છે.

દિવ્યાંશ સિંહ નામનો તે બાળક રાતે એના ઘરની બહાર રસ્તા પર રમી રહ્યો હતો ત્યારે અચાનક ખુલ્લા મેનહોલમાંથી પડી ગયો હતો. એ જગ્યાએ નીચેથી નાળું પસાર થઈ રહ્યું છે. છોકરો ગટરમાં પડ્યો એની પહેલાં જ મુસળધાર વરસાદ પડ્યો હતો એટલે નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હતો.

છોકરો પડી ગયાની જાણ થતાં પોલીસ અને અગ્નિશામક દળને જાણ કરવામાં આવી હતી. ફાયરમેનોએ તરત જ પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી, પણ બાળકનો પતો લાગ્યો નહોતો.

બાદમાં જેસીબીની મદદથી ગટરને તોડી નાખવામાં આવી હતી. બચાવ કામગીરી આખી રાત ચાલુ રહી હતી, પણ છોકરાનો મૃતદેહ મળ્યો નહોતો. આજે બપોર સુધી પણ તે હાથ ન લાગતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ ગયો.

મેયર મહાડેશ્વરનું વિવાદાસ્પદ નિવેદન

દરમિયાન, દિવ્યાંશ સિંહ બાળક ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના અંગે પૂછતાં મેયર વિશ્વનાથ મહાડેશ્વરે કહ્યું કે દિવ્યાંશની સંભાળ એની મમ્મીએ જ રાખવી જોઈતી હતી. તેમજ ગટર પરનું ઢાંકણ ઉઘાડું કેમ હતું? શું સ્થાનિક રહેવાસીઓએ ઢાકણને તોડી નાખ્યું હતું? પ્રશાસને ગટર પર ઢાકણ મૂકાવ્યું નહોતું? આની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
મેયરે કહ્યું કે સ્થાનિક લોકો જ ઘણી વાર ગટર તોડી નાખતા હોય છે. ગટરમાં કચરો નાખવા માટે સ્થાનિક લોકો ગટર પરનું ઢાકણ કાઢી નાખતા હોય છે અથવા તોડી નાખતા હોય છે. પાલિકા નિયમિત રીતે વિનંતી કરે છે કે આવું ન કરો, પરંતુ લોકો એનું પુનરાવર્તન કરતા જ હોય છે. મુંબઈગરાંઓમાં સિવિક સેન્સ નથી. મુંબઈની સંભાળ રાખવાની જવાબદારી બધાયની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]