મુંબઈ: શહેરમાં ૧૦૦ કિ.ગ્રા.નો એક બોમ્બ મુકાયો હોવાનો પોલીસને ખોટો ફોન કરનાર ૪૩ વર્ષના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીનું નામ રુખસાર એહમદ છે અને તે દરજી છે. છેલ્લા પાંચ મહિનામાં એણે મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને ૭૯ ફોન કોલ્સ કર્યા હતા. આ માણસ માનસિક રીતે અસ્થિર હોય એવું પોલીસને લાગે છે.
આ માણસે ગઈ કાલે મોડી રાત્રે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં કોઈક ઠેકાણે ૧૦૦ કિલો વજનનો બોમ્બ મૂકવામાં આવ્યો છે. પોલીસે તરત જ ફોન કરનારનું લોકેશન શોધી કાઢ્યું હતું અને એહમદને પકડી લીધો હતો. પોલીસે એની સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.