મહારાષ્ટ્ર HSC પરિણામઃ 94.22% વિદ્યાર્થીઓ પાસ થયાં

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી 12મા ધોરણ (એચએસસી)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ, એમ ત્રણેય શાખાની ઓફ્ફલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. ત્રણેય શાખામાં કુલ 94.22 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને સોશ્યલ મિડિયાના માધ્યમથી અભિનંદન આપ્યા છે.

આ વખતની પરીક્ષામાં 14,85,191 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. એમાં 8,17,188 છોકરા હતા અને 6,68,003 છોકરીઓ હતી. ગયા વર્ષે કોરોનાવાઈરસ મહામારીને કારણે બારમા ધોરણની પરીક્ષા લઈ શકાઈ નહોતી. તેથી આ વખતની પરીક્ષામાં ઈન્ટર્નલ મૂલ્યાંકન કર્યા વિના વિદ્યાર્થીઓને માર્ક આપવામાં આવ્યા છે.

આ વખતની પરીક્ષામાં પણ ટકાવારીની દ્રષ્ટિએ કોંકણ વિભાગે ફરી બાજી મારી છે. ત્યાં 97.21 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. બોર્ડ પરીક્ષાના પરિણામમાં પ્રથમ રહેવાની પરંપરા આ વિભાગે જાળવી રાખી છે. બીજા ક્રમે નાગપુર (96.52 ટકા) અને ત્રીજા ક્રમે અમરાવતી (96.34 ટકા) છે. મુંબઈ વિભાગની ટકાવારી ઘટી છે. ગઈ વેળાની સરખામણીમાં આ વખતે અહીં 3.56 ટકા ઓછા વિદ્યાર્થી પાસ થયાં છે. મુંબઈ વિભાગનું પરિણામ 90.91 ટકા આવ્યું છે.

આ વર્ષે પણ છોકરાઓ પર છોકરીઓનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. 95.35 ટકા છોકરીઓ પાસ થઈ છે. છોકરાઓની પાસિંગ ટકાવારી 93.29 ટકા છે. છોકરાઓ કરતાં 2.6 ટકા વધારે છોકરીઓ પાસ થઈ છે. આ વખતની પરીક્ષામાં ભાગ લેનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંના 95.24 ટકા પાસ થયાં છે.

વિદ્યાર્થીઓ એમનું પરિણામ નીચે દર્શાવેલી વેબસાઈટ લિન્ક પર વિઝિટ કરીને જોઈ શકે છેઃ

mahresult.nic.in

hscresult.mkcl.org

hsc.mahresults.org.in