મુંબઈ – મહાનગર મુંબઈ અને પુણે શહેરને અત્યંત સ્પીડમાં જોડતી હાઈપરલૂપ પરિવહન યોજનાને મહારાષ્ટ્રના પ્રધાનમંડળે આજે મંજૂરી આપી દીધી છે.
પુણે મેટ્રોપોલિટન રીજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી આ યોજના માટેનું બાંધકામ ઓગસ્ટના મધ્યભાગથી શરૂ કરવા માટેનાં ટેન્ડર્સ બહાર પાડશે.
જો બધું સમયસર પાર પડશે તો હાઈપરલૂપ યોજના સત્તાવાર રીતે શરૂ કરનાર ભારત દુનિયામાં પહેલો દેશ બનશે.
મહારાષ્ટ્ર સરકારે હાઈપરલૂપ સેવા માટે મુંબઈ-પુણે એક્સપ્રેસવેને સમાંતર માર્ગ ફાળવી આપ્યો છે. પુણેમાં, કિવાળેથી ઉરસે વચ્ચે 15 કિ.મી.નો માર્ગ જમીન પરનો રહેશે જે માટે સરકારે જમીન ફાળવી છે.
118 કિ.મી. લાંબી હાઈપરલૂપ યોજના તૈયાર થઈ જશે પછી મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર માત્ર 23 મિનિટનું થશે, જે હાલ ચાર કલાક જેટલું થાય છે. હાઈપરલૂપ બુલેટ ટ્રેન કરતાં ચાર ગણી વધારે સ્પીડમાં ભાગે છે.
હાઈપરલૂપ અત્યંત આધુનિક ટ્રાન્સપોર્ટ યોજના છે. તે મુંબઈમાં બીકેસી (બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ) અને પુણે (વાકડ) વચ્ચે હશે. આ ટ્રાન્સપોર્ટ સેવામાં હાઈપરલૂપ કેપ્સ્યૂલ હોય છે જે પ્રતિ કલાક 496 કિ.મી.ની ઝડપે દોડે છે.
હાઈપરલૂપ યોજના આશરે 70 હજાર કરોડની છે. સંપૂર્ણ યોજના 6-8 વર્ષમાં પૂરી થવાની ધારણા છે.
હાઈસ્પીડ મોબિલીટીમાં આ યોજના અત્યંત આધુનિક છે. એમાં એક વેક્યૂણ ટ્યૂબ (કેપ્સ્યૂલ) મારફત પૈડાં-રહિત પોડ્સ દોડે છે-સરકે છે. આ સેવા 100 ટકા વીજપ્રવાહથી ચાલે છે. કેપ્સ્યૂલ હવાના દબાણ દ્વારા ચાલતી નથી પરંતુ મેગ્લેવ કોન્સેપ્ટ જેવી બે ઇલેક્ટ્રોમેગ્નેટિક મોટર્સ હોય છે. એવું કહેવાય છે કે, ટ્યુબમાં વેક્યુમ હોય છે, હવાનું નીચું દબાણ હોય છે. કેપ્સ્યૂલની આગળના ભાગમાં કોમ્પ્રેસર ફેન હશે, જે કેપ્સ્યુલની પાછળની તરફની હવાને રીડાયરેક્ટ કરે છે અને એરને એર બેરિંગ્સમાં મોકલવામાં આવશે, જે સ્મેના પેડલ્સ જેવા છે જે સપાટીની ઘર્ષણ ઘટાડવા માટે મદદ કરે છે. આ ટ્યુબ પ્રતિકૂળ હવામાન અને ધરતીકંપો સામે પણ પ્રતિરક્ષા માટે રચાયેલા છે.