મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં નવા 12 કુદરતી પર્યાવરણ સંરક્ષણ અનામત ક્ષેત્ર અને 3 અભ્યારણ્ય બનાવવાની યોજનાઓને આજે મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષપદ હેઠળ રાજ્ય વન્યજીવ મંડળની આજે યોજાયેલી બેઠકમાં આ મંજૂરી નિર્ણય લેવાયો હતો. એ વખતે પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, સંસદસભ્ય વિનાયક રાઉત, મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર એસ.જે. કુન્ટે, મુખ્ય પ્રધાનના અતિરિક્ત મુખ્ય સચિવ આશિષ કુમાર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આદિત્ય ઠાકરેએ ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી છે. એમણે કહ્યું છે કે, પર્યાવરણ રક્ષણ અનામત ક્ષેત્રો કુલ 692.74 સ્ક્વેર કિ.મી. એરિયામાં બનાવવામાં આવશે જ્યારે બે નવા અભ્યારણ્ય માટે કુલ 298.61 સ્ક્વેર કિ.મી. વિસ્તારની ફાળવણી કરવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વન-જંગલ આવરણ તથા જૈવવિવિધતા સંરક્ષણ વધારવાના ઉદ્દેશ્ય સાથે અવિરત વિકાસ યોજનાના ભાગરૂપે સરકારે આ નિર્ણય લીધા છે.
(તસવીર સૌજન્યઃ @MahaDGIPR)