મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરમાં ખામી ઊભી થવાની એક વધુ ઘટના બની છે. આજે એમના હેલિકોપ્ટરમાં કોઈક ટેક્નિકલ ખામી ઊભી થતાં તેઓ સતારા જિલ્લામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં પહોંચવામાં મોડા પડ્યા હતા.
ફડણવીસ મુંબઈથી સતારા હેલિકોપ્ટર દ્વારા જવાના હતા, પણ એમાં કોઈક ખામી ઊભી થતાં ફડણવીસ કાર્યક્રમમાં બે કલાક મોડા પહોંચ્યા હતા.
ફડણવીસ માટે પુણેથી એક બીજું હેલિકોપ્ટર મુંબઈ લાવવું પડ્યું હતું એટલે તેઓ સતારા મોડા પહોંચ્યા હતા.
ફડણવીસે સતારા આજે સવારે 10.30 વાગ્યે પહોંચવાનું હતું, પણ હેલિકોપ્ટરમાં ખામી ઊભી થવાને કારણે તેઓ બપોરે 12.30 વાગ્યે પહોંચ્યા હતા.
ફડણવીસના હેલિકોપ્ટરે સતારા જિલ્લાના ખંડાલા જવા માટે આજે સવારે 9 વાગ્યે ટેકઓફ્ફ કરવાનું હતું. ત્યાં મહિલા સમાજસુધારક સાવિત્રીબાઈ ફૂળેની જન્મજયંતીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના હતા.
મહારાષ્ટ્રના એવિએશન ડાયરેક્ટોરેટના અધિકારીઓએ કહ્યું કે રાજ્ય સરકારે એક એજન્સી પાસેથી સાઈકોર્સ્કી હેલિકોપ્ટર લેવાનું નક્કી કર્યું હતું. તે હેલિકોપ્ટરનું આજે સવારે 7.30 વાગ્યે મુંબઈના જુહૂ એરોડ્રોમ ખાતેથી ટેકઓફ્ફ કરવાનું હતું અને મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે પહોંચવાનું હતું. ફડણવીસ ત્યાંથી જ હેલિકોપ્ટરમાં બેસવાના હતા. પરંતુ હેલિકોપ્ટર કોઈક ટેકનિકલ ખામીને કારણે જુહૂ એરોડ્રોમથી જ ઉપાડી શકાયું નહોતું. બાદમાં પુણેમાંથી એક અન્ય હેલિકોપ્ટર મગાવવામાં આવ્યું હતું.
સતારાના કાર્યક્રમમાં મોડા પહોંચ્યા બાદ ફડણવીસે હાજર રહેલા લોકોની માફી માગી હતી.
ઉલ્લેખનીય છે કે, 2017માં લાતુરમાં નિલંગા ખાતે સાઈકોર્સ્કીના S-76C++ હેલિકોપ્ટરને નડેલી એક દુર્ઘટનામાં ફડણવીસ આબાદ બચી ગયા હતા. એના અમુક મહિના બાદ, મહારાષ્ટ્રના ગડચિરોલીમાં પણ ફડણવીસના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી ઊભી થઈ હતી.
(ગયા વર્ષના મે મહિનામાં લાતુરમાં ફડણવીસના હેલિકોપ્ટરનું આ રીતે તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું)