મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ કર્યું છે. એમણે તેમની કેબિનેટમાં નવા 13 સભ્યોનો ઉમેરો કર્યો છે. નવા સભ્યોએ અહીં રાજભવન ખાતે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની નવી ચૂંટણી આગામી છ મહિનામાં જ નિર્ધારિત છે.
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે ગ્રુપ)ની યુતિની સરકાર છે.
કેબિનેટમાં નવા સામેલ કરાયેલા રાધાકૃષ્ણ વિખે પાટીલનો સમાવેશ થાય છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તે ઉપરાંત મુંબઈ ભાજપ પ્રમુખ આશિષ શેલારનો પણ સમાવેશ થાય છે.
નવા 13 સભ્યોમાં 13 ભાજપના, 2 શિવસેનાનાં અને એક RPIના છે. ભાજપના સભ્યોમાં યોગેશ સાગરનો પણ સમાવેશ થાય છે જેઓ મુંબઈમાં કાંદિવલી (વેસ્ટ) ઉપનગરના ચારકોપ મતવિસ્તારના વિધાનસભ્ય છે. એ બે મુદતથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા છે.
ભાજપના 10 સભ્યોમાંથી 6 જણને કેબિનેટ રેન્ક આપવામાં આવી છે જ્યારે અન્ય ચારને રાજ્યપ્રધાનની રેન્ક અપાઈ છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.વી. રાવે નવા પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા. એ પ્રસંગે મુખ્ય પ્રધાન ફડણવીસ પણ ઉપસ્થિત હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે અને એના આગલા જ દિવસે આજે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
છેલ્લા અમુક દિવસોથી સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા જ હતા કે ફડણવીસ એમની કેબિનેટનું વિસ્તરણ કરવાના છે.
કેબિનેટ વિસ્તરણ પૂર્વે ગયા શુક્રવારે, ફડણવીસ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને પોતાની કેબિનેટમાં સામેલ કરાનારા પ્રધાનો વિશે એમની સાથે ચર્ચા કરી હતી.
કેબિનેટ વિસ્તરણ પૂર્વે જ રાજ્યના 6 પ્રધાનોએ એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. આમાં, ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતાનો પણ સમાવેશ થાય છે. અન્ય પ્રધાનો છે – સામાજિક ન્યાય પ્રધાન રાજકુમાર બડોલે, આદિવાસી વિકાસ પ્રધાન વિષ્ણુ સાવરા, પર્યાવરણ રાજ્યપ્રધાન પ્રવીણ પોટે અને અંબરિશ અત્રામ અને દિલીપ કાંબળે.
મુખ્ય પ્રધાન કાર્યાલયે આ તમામ પ્રધાનોના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.
આજે શપથ લેનાર નવા કેબિનેટ પ્રધાનો છેઃ
રાધાકૃષ્ણ વિખે પાટીલ
આશિષ શેલાર
સંજય કુટે
સુરેશ ખાડે
ડો. અનિલ બોંડે
ડો. અશોક ઉઈકે
જયદત્ત ક્ષીરસાગર (શિવસેના)
તાનાજી સાવંત (શિવસેના)
રાજ્યપ્રધાનો છેઃ
યોગેશ સાગર
અતુલ સાવે
સંજય ઉર્ફ બાળા ભેગડે
પરિણય ફુકે
અવિનાશ મહાતેકર
આ વખતના વિસ્તરણમાં એકેય મહિલાને પ્રધાન બનાવવામાં આવી નથી. સરકારમાં હાલ બે પ્રધાન છે – પંકજા મુંડે અને વિદ્યા ઠાકુર.
2014ના નવેંબરમાં સત્તાના સૂત્રો સંભાળનાર ફડણવીસ સરકારનું આ ત્રીજું કેબિનેટ વિસ્તરણ છે. 2014ના નવેંબરમાં શિવસેના પાર્ટી સરકારમાં જોડાઈ નહોતી, પણ એ જ વર્ષના ડિસેંબરમાં જ્યારે ફડણવીસે એમની સરકારનું પહેલી વાર વિસ્તરણ કર્યું ત્યારે શિવસેના સરકારમાં જોડાઈ હતી. ફડણવીસ સરકારનું બીજું વિસ્તરણ 2016ના જુલાઈમાં કરવામાં આવ્યું હતું.