મુંબઈ – લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કરવા બદલ મુંબઈ-દક્ષિણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મિલિંદ દેવરા સામે દક્ષિણ મુંબઈસ્થિત એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
મિલિંદ દેવરાએ જૈન સમાજ વિશે કરેલી કમેન્ટ્સ ખોટી અને ધાર્મિક રીતે સંવેદનશીલ જણાયા બાદ એમની સામે એફઆઈઆર નોંધવાનો મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એલ.ટી. માર્ગ પોલીસને આદેશ આપ્યો હતો અને પોલીસે એનું પાલન કર્યું છે.
દેવરા વિરુદ્ધ શિવસેના પાર્ટીના એક નેતાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી
ગઈ 4 એપ્રિલે દેવરાએ ઝવેરી બજાર વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં શિવસેના પાર્ટી પર એવો આરોપ મૂક્યો હતો કે તે જૈન લોકોની ધાર્મિક લાગણીને દુભાવે છે. એમ કહીને દેવરાએ જૈન સમુદાયનાં લોકોને અપીલ કરી હતી કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં શિવસેનાને વોટ ન આપીને એને પાઠ ભણાવે. દેવરાએ એમ પણ કહ્યું હતું કે શિવસેના પાર્ટી લઘુમતી કોમોની વિરુદ્ધ છે.
મુંબઈ-દક્ષિણ મતવિસ્તારમાં દેવરાની સામે શિવસેનાએ અરવિંદ સાવંતને ઉમેદવાર બનાવ્યા છે.
મિલિંદ દેવરાએ તે કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે અમુક વર્ષો પહેલાં, શિવસેના પાર્ટીએ પર્યૂષણ પર્વ દરમિયાન જૈન મંદિરોની બહાર માંસ રાંધીને જૈન સમાજનું અપમાન કર્યું હતું. એને યાદ કરો અને તમારા વોટ દ્વારા એ પાર્ટીને પાઠ ભણાવો.
આ નિવેદન કરવા બદલ દેવરા સામે પોલીસે ભારતીય ફોજદારી ધારાની કલમ 171 અને લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની 125મી કલમ અંતર્ગત એફઆઈઆર ફરિયાદ નોંધી છે. 171મી કલમ ચૂંટણી માટે ખોટા નિવેદનો કરવાને લગતી છે જ્યારે 125મી કલમ ચૂંટણીના સંબંધમાં બે કોમ વચ્ચે વૈમનસ્યને ઉત્તેજન આપવાને લગતી છે.
પર્યૂષણ પર્વ જૈન સમુદાય દર વર્ષે ઉજવે છે. એ આઠ દિવસનો પર્વ હોય છે. સામાન્ય રીતે તે ઓગસ્ટ કે સપ્ટેંબર મહિનામાં ઉજવાય છે.
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની કુલ 48 બેઠકો છે જ્યારે મુંબઈમાં છ બેઠક છેઃ મુંબઈ-દક્ષિણ, મુંબઈ-ઉત્તર, મુંબઈ-દક્ષિણ મધ્ય, મુંબઈ-ઉત્તર મધ્ય, મુંબઈ-ઉત્તર પૂર્વ અને મુંબઈ-ઉત્તર પશ્ચિમ.
મુંબઈ-દક્ષિણમાં શિવસેનાનાં વર્તમાન સાંસદ અરવિંદ સાવંત અને કોંગ્રેસના મિલિંદ દેવરા વચ્ચે મુકાબલો છે. તો મુંબઈ-ઉત્તરમાં વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટી (ભાજપ) અને કોંગ્રેસનાં ઉર્મિલા માતોંડકર વચ્ચે મુકાબલો છે. મુંબઈ-દક્ષિણ મધ્યમાં વર્તમાન સાંસદ રાહુલ શેવાળે (શિવસેના) અને કોંગ્રેસના એકનાથ ગાયકવાડ, મુંબઈ-ઉત્તર મધ્યમાં વર્તમાન સાંસદ પૂનમ મહાજન (ભાજપ) અને કોંગ્રેસનાં પ્રિયા દત્ત, મુંબઈ-ઉત્તર પૂર્વમાં મનોજ કોટક (ભાજપ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સંજય દીના પાટીલ અને મુંબઈ-ઉત્તર પશ્ચિમમાં વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકર (શિવસેના) અને કોંગ્રેસના સંજય નિરુપમ વચ્ચે મુકાબલો છે.
મુંબઈમાં 29 એપ્રિલ મતદાન છે. કુલ સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીનાં બે રાઉન્ડ પૂરા થઈ ગયા છે. પરિણામ 23 મેએ જાહેર કરાશે.