મોદી વિશે બાયોપિક ફિલ્મ એક મજાક છે, એને બદલે કોમેડી ફિલ્મ બનાવવી જોઈએઃ ઉર્મિલા માતોંડકર

મુંબઈ – લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના મુંબઈ-ઉત્તરનાં ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે પીએમ નરેન્દ્ર મોદીની આ જ નામવાળી બાયોપિક ફિલ્મ વિશે ધારદાર ટકોર કરી છે. એમણે કહ્યું કે મોદી વિશે બાયોપિક ફિલ્મ તો એક મજાક છે. એને બદલે મોદી વિશે તો કોઈક કોમેડી ફિલ્મ બનાવો.

ઉર્મિલાએ કહ્યું કે મોદી એમના વિશે બાયોપિક ફિલ્મ બનાવાય એ માટે લાયક નથી, કારણ કે એ સરકારના વડા તરીકે એ સાવ નિષ્ફળ સાબિત થયા છે.

પીટીઆઈ સમાચાર સંસ્થાએ ઉર્મિલાને ટાંકીને કહ્યું છે કે, મોદી ઉપર તો કોઈક કોમેડી ફિલ્મ બનાવવી જોઈએ.

ઉર્મિલા મુંબઈ-ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. એમનો સામનો છે ભાજપના 2014ની ચૂંટણીના વિજેતા ગોપાલ શેટ્ટી સાથે.

‘એમના (પીએમ મોદી)ના જીવન પરથી બાયોપિક ફિલ્મ બનાવાઈ એ બીજું કંઈ નહીં, પણ એક જોક છે, કારણ કે 56-ઈંચ છાતીનો દાવો કરનાર વડા પ્રધાન સાવ નિષ્ફળ ગયા છે. એમના જીવન વિશેની ફિલ્મ લોકશાહી, ગરીબી અને ભારતની વિવિધતા માટે એક મોટી મજાક છે. મોદીના રાજમાં આ બધાયને નુકસાન પહોંચ્યું છે,’ એમ ઉર્મિલાએ કહ્યું છે.

પોતાને પીએમ મોદીના સ્વયંઘોષિત પ્રશંસક ગણાવનાર અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મની રિલીઝ પર ચૂંટણી પંચે પ્રતિબંધ મૂકી દીધો છે અને કહ્યું છે કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ જાય એ પછી જ આ ફિલ્મને રિલીઝ કરવી.

વાસ્તવમાં, ઉર્મિલાએ વિવેક ઓબેરોયે એનડીટીવીને આપેલી એક મુલાકાતમાં કરેલા નિવેદનના જવાબમાં ઉર્મિલાએ મોદી વિશે ઉપર મુજબ કહ્યું છે. એ મુલાકાતમાં વિવેકને એમ કહેવામાં આવ્યું હતું કે તમે રાહુલ ગાંધી વિશે બાયોપિક કેમ બનાવતા નથી? ત્યારે એના જવાબમાં વિવેકે એમ કહ્યું હતું કે મારે રાહુલ ગાંધી વિશે ફિલ્મ શું કામ બનાવવી જોઈએ? એમણે એવું તે શું ઉલ્લેખનીય કામ કર્યું છે?

મુંબઈમાં 29 એપ્રિલે મતદાનનો દિવસ છે. મહારાષ્ટ્રમાં ચાર રાઉન્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે. 29 એપ્રિલે મતદાનનો ચોથો અને છેલ્લો રાઉન્ડ છે.

મતગણતરી અને ચૂંટણીનું પરિણામ 23 મેએ છે.