મુંબઈઃ આજે સવારે અહીં પશ્ચિમ રેલવે વિભાગના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ખાતે એક ખાલી લોકલ ટ્રેનને યાર્ડમાંથી બહાર લાવવામાં આવી રહી હતી ત્યારે એક ક્રોસિંગ પોઈન્ટ ખાતે એક ડબ્બાનું એક પૈડું પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. એને કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. સદ્દભાગ્યે કોઈ પણ વ્યક્તિને જરાય ઈજા થઈ નથી.
આ ઘટનાને કારણે સ્લો લાઈન પરની ટ્રેન સેવાને અસર પહોંચી હતી. ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અનેક ટ્રેનો અટવાઈ ગઈ હતી. ટ્રેનોને માત્ર ફાસ્ટ લાઈન પર જ દોડાવવામાં આવી હતી. ટ્રેનો લગભગ 20 મિનિટ મોડી પડી હતી. મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં ટ્રેન પાટા પરથી ખડી પડવાનો એક અઠવાડિયામાં આ બીજો બનાવ હતો. ગયા શનિવારે પડોશના રાયગડ જિલ્લામાં એક ગૂડ્સ ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એને કારણે પનવેલ અને વસઈ વચ્ચેના રૂટ પરની ટ્રેન સેવા અનેક કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી. સદ્દભાગ્યે તે ઘટનામાં પણ કોઈને ઈજા થઈ નહોતી.