મુંબઈ – ભારે વરસાદને કારણે મધ્ય રેલવે વિભાગ પર મુંબઈ અને પુણે વચ્ચેનો ટ્રેનવ્યવહાર હાલ ખોરવાઈ ગયો છે.
આજે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે પાટા પર મોટી ભેખડ ધસી પડવાને કારણે આ રૂટ પરની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે.
ભારે વરસાદને કારણે ખંડાલા (બોરઘાટ) ઘાટમાર્ગ પર મંકી હિલ નજીક મિડલ અને ડાઉન રેલવે લાઈન પર ભેખડ ધસી પડી હતી. બીજી બાજુ, ખંડાલામાં મહિલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર સામે એક સંરક્ષક દીવાલ તૂટી પડી હતી.
રેલવે વહીવટીતંત્ર દ્વારા રેલવે લાઈન પરથી ભેખડનો કાટમાળ દૂર કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.
ભેખડ ધસી પડવાની ઘટનામાં રેલવેનો એક કર્મચારી ઘાયલ થયો છે. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
ઠાકુરવાડી અને મંકી હિલ વચ્ચે ડાઉન લાઈન પર ભેખડ ધસી પડી હતી.
જોકે ભેખડ ધસી પડવાથી પુણેથી મુંબઈ આવનારી ટ્રેનો મોડી પડી છે.
મંકી હિલથી કર્જત વચ્ચેની રેલવે લાઈન પર ભેખડ ધસી પડવાની 15 દિવસમાં આ ચોથી ઘટના છે.