નવી મુંબઈ પહેલાં કલ્યાણ બની શકે છે મુંબઈનું બીજું એરપોર્ટ

મુંબઈ – કલ્યાણ શહેર કદાચ મુંબઈનું બીજું એરપોર્ટ સિટી બને એવી ધારણા છે.

અત્યારે મુંબઈમાં એક જ રનવે પર મોટી સંખ્યામાં વિમાનોનું લેન્ડિંગ અને ટેક ઓફ્ફ થઈ રહ્યું છે. આને લીધે મુંબઈ દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક બન્યું છે. ટ્રાફિકના નિયમન માટે શહેરને એક વધુ એરપોર્ટની જરૂર છે.

આ બાબતને ધ્યાનમાં લઈને નવી મુંબઈમાં એક એરપોર્ટ બાંધવામાં આવી રહ્યું છે, પણ એના કામકાજમાં ઘણો સમય લાગી રહ્યો છે. તેથી સરકાર નવી મુંબઈનું એરપોર્ટ બંધાય તે પહેલાં મુંબઈની પડોશમાં આવેલા થાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં એરપોર્ટ શરૂ કરવા વિચારી રહી છે.

કેન્દ્ર સરકારની રીજનલ કનેક્ટિવિટી સ્કીમ અંતર્ગત કલ્યાણમાંથી વિમાનસેવા શરૂ કરવા અંગે અનેક એરલાઈન કંપનીઓ તરફથી કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયને ઘણા પ્રસ્તાવો મળ્યા છે.

કેન્દ્ર સરકારની આ સ્કીમ છે UDAN – એટલે કે ‘ઉડે દેશ કા આમ નાગરિક’.

કલ્યાણનું એરપોર્ટ હજી કાર્યરત નથી તે છતાં કલ્યાણને રીજનલ રૂટ્સ સાથે જોડવા માટે ઉડાન સ્કીમ હેઠળ સરકારને પાંચ પ્રસ્તાવ મળ્યા છે.