મુંબઈઃ શિક્ષક મોટે ભાગે તો વર્ગમાં બાળકોને પાઠ્યપુસ્તકની માહિતીથી પરિચિત કરાવતાં હોય છે, પણ સાચો શિક્ષક એ છે કે જે પાઠ્યપુસ્તકની બહારની રસપ્રદ માહિતી પણ વિદ્યાર્થીઓને આપે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને શેઠ ડાહ્યાભાઈ ઓધવજી વણિક નિવાસ ટ્રસ્ટના ઉપક્રમે શિક્ષકોની રજૂઆતનો એક મસ્ત કાર્યક્રમ શિવાજી હોલ, કામા ગલી, ઘાટકોપરમાં યોજાઈ ગયો.
સંગીત અને ચેસના શિક્ષક તરીકે વિવિધ શાળાઓ સાથે ત્રીસ વર્ષથી જોડાયેલા અભિનેતા, સ્વરકાર તથા ગાયક એવા જ્હોની શાહે પોતાના ગાનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં. કાંદિવલી કેઈએસમાં વર્ષોથી શિક્ષિકા તરીકે કાર્યરત એમનાં જીવનસાથી અર્ચના શાહે પાનબાઈની એકોક્તિ દ્વારા ગંગાસતીના સર્જનને શ્રોતાઓ સમક્ષ ઉજાગર કર્યું. કબીર વિશેનું એમનું વાચિકમ પણ ભાવકોને આનંદ કરાવી ગયું.
મલાડની જેડીટી શાળાનાં શિક્ષિકાએ ઉદયન ઠક્કર, કૃષ્ણ દવે અને વિપીન પરીખનાં કાવ્યોની સ્વસ્થ રીતે રજૂઆત કરીને શ્રોતાઓની દાદ મેળવી. વિલે પાર્લાની વિવિધ સ્કૂલ સાથે સક્રિય એવાં શિક્ષિકા ડિમ્પલ સોનિગ્રાએ સરોજિની નાયડુનાં અંગ્રેજી કાવ્યનો પોતે કરેલો ભાવાનુવાદ શ્રોતાઓને સંભળાવ્યો. ઈલા આરબ મહેતાની ટૂંકી વાર્તા પરથી તૈયાર કરેલી એક એકોક્તિ ‘ સેલ્ફી ‘ રજૂ કરી એમણે શ્રોતાઓની ખૂબ તાળીઓ મેળવી.
આ કાર્યક્રમનું સંચાલન શિક્ષણ ક્ષેત્રે જેમણે ૩૮ વર્ષ આપ્યાં છે એવાં કવયિત્રી પ્રતિમા પંડ્યાએ કર્યું હતું. કાબેલ નાગરિક તૈયાર કરવામાં સંનિષ્ઠ શિક્ષકોનું મોટું યોગદાન હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.
‘અંધ શિક્ષણ, અંધ શાળા, આંધળા સપનાં બધાં,
ચકચકિત શાળામાં બાળક ઝાંખું પડતું જાય છે’
અગાઉ અકાદમી વતી સ્વાગત કરતાં સંજય પંડ્યાએ કાર્યક્રમના સહયોગી, ટ્રસ્ટના હર્ષદભાઈ પારેખને સાહિત્યિક પ્રવૃત્તિઓને પીઠબળ આપવાની એમની વિચારધારાને બિરદાવી હતી. એમણે સર્વ શ્રોતાઓને ગુજરાતી ભાષાનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાવ્યાં હતાં અને આપણી ભાષા અને સાહિત્યથી નવી પેઢીને પરિચિત કરાવવાની શ્રોતાઓને હાકલ કરી હતી.
આ કાર્યક્રમની પરિકલ્પના કવિ મુકેશ જોષીની હતી. જાણીતા અદાકાર શરદ વ્યાસ, રાજુલ દીવાન તથા સ્વામી વિઠ્ઠલની આ કાર્યક્રમમાં હાજરી હતી અને શ્રોતાઓએ શિવાજી હોલને છેલ્લી હરોળ સુધી ભરી દીધો હતો.