મુંબઈઃ અરબી સમુદ્ર પરના આકાશમાં સર્જાયેલું અતિ ભયાનક એવું ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય[ આજે પડોશના ગુજરાત રાજ્યના સમુદ્રકાંઠા પર ત્રાટકવાની તૈયારીમાં છે. એની તીવ્ર અસર હેઠળ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને સમુદ્રમાં વિકરાળ મોજાં ઉછળી રહ્યાં હોવાથી મુંબઈમાં તમામ 6 ચોપાટીઓ પર નાગરિકો માટે પ્રવેશબંધી લગાવી દેવામાં આવી છે. ગિરગાંવ (ચર્ની રોડ), જુહૂ (વિલે પારલે), વર્સોવા (અંધેરી), આક્સા (મલાડ) અને ગોરાઈ (બોરીવલી) ચોપાટીઓ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવી છે.
આ તમામ ચોપાટીઓ પર પોલીસોનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુંબઈમાં દરિયો તોફાની બની ગયો છે. આજે સવારે 10.21 વાગ્યે સમુદ્રમાં ભરતી આવી હતી અને એને પરિણામે ખૂબ ઊંચા, ભયજનક મોજાં કિનારા પર ઉછળ્યા હતા. મહાનગરપાલિકાએ તમામ ચોપાટીઓ ઉપરાંત સી-ફેસ વિસ્તારોમાં પણ નાગરિકો માટે પ્રતિબંધ મૂકી દીધો છે. ચોપાટીઓ ખાતે બે શિફ્ટમાં સેંકડો લાઈફગાર્ડ્સને પણ મૂકવામાં આવ્યા છે.
‘બિપરજોય[ વાવાઝોડું હાલ ગુજરાતના સમુદ્રકાંઠા (દ્વારકા, નલિયા, માંડવી)થી 190 કિ.મી. દૂર છે. તે આજે મોડી રાતે સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકશે એવી સંભાવના છે.