કોઈ પણ નાટક ભજવાતા હોય ત્યારે સામાન્ય રીતે નાની-મોટી ભૂલો થતી હોય છે. એ ભુલ ભલે લોકો સુધી ન પહોંચે પણ નાટક ભજવતા કલાકાર આ ભૂલને સારી રીતે સમજે છે. તો સાથે જ આવી વાતોને લઈને ઘણી યાદોનું ભાથું પણ બંધાય જાય છે. પરંતુ જ્યારે આ વાતોનું સંભારણું સાંભળવા મળે તો ? આવો જ એક કાર્યક્રમ મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે.
મુંબઈની રંગભૂમિએ દાયકાઓ સુધી યાદ રહે એવાં નાટકો ભજવ્યાં છે. આ નાટકોના નિર્માણ અને રિહર્સલ દરમિયાન ઘણી યાદગાર ઘટનાઓ બનતી હોય છે. નાટકની ભજવણી દરમિયાન પણ કેટલાક રમૂજી ‘ભગા’ થતી હોય છે જેની જાણ કલાકાર તથા દિગ્દર્શકને જ થતી હોય છે. ઉમદા કલાકાર આ ભૂલનો ઉકેલ, પોતાની સતર્કતાથી, ચાલુ નાટકે જ લાવે છે પણ એ પ્રસંગ સમસ્ત નાટ્ય ટીમ માટે યાદગાર બની જાય છે. આવી કેટલીક ખાટીમીઠી વાતો સાંભળવી હોય તો પહોંચી જજો ૧૭ ફેબ્રુઆરી શનિવાર સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈના સાઈબાબા મંદિર , સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીના શ્રી સાઈ લીલા વેલ્ફેર ટ્રસ્ટના “ઝરૂખો”ના સહયોગથી “રંગભૂમિની ખાટીમીઠી” એ કાર્યક્રમ આયોજિત થયો છે. વરિષ્ઠ નાટ્ય કલાકાર અરવિંદ વેકરિયા તથા અનુરાગ પ્રપન્ન સાથે કવિ, લેખક, નાટ્ય કલાકાર દિલીપ રાવલ ગોષ્ઠી કરશે.
આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન સંજય પંડ્યાનાં છે. બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે રાખવામા આવી છે.