કવિ કૃષ્ણ દવેએ સ્કૂલ વિદ્યાર્થીઓને બાળ કવિતા-વાર્તા દ્વારા મોજ કરાવી

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (પ્રાથમિક અને માધ્યમિક વિભાગ) અને મુંબઈ ગુજરાતી સંગઠનના સંયુક્ત ઉપક્રમે ગત સપ્તાહાંતે આયોજિત કાર્યક્રમમાં બાળકાવ્યો અને બાળવાર્તાઓનાં સર્જક અને જાણીતા કવિ કૃષ્ણ દવેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ભાષાનાં શિક્ષિકા દીપ્તિ રાઠોડે વક્તાનો પરિચય આપી આવકાર આપ્યો હતો. વરસાદી સવારે કવિ મુખે મુગ્ધતાભરી કવિતાઓ માણવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો. એમની બાળ કવિતાઓ સાંભળીને સહુને પોતાનું બાળપણ યાદ આવી ગયું હતું.

‘એક બિલાડી જાડી’, તેમજ ચં.ચી. મહેતા રચિત કાવ્યોને આધુનિક વાઘાં પહેરાવી નવી રીતના કાવ્ય સાંભળવામાં બાળકોને મજા પડી ગઈ હતી. ‘ભોંદુભાઈ તોફાની’ સંગ્રહમાંથી ભોંદુભાઈની વાર્તા, લોકશાહીમાં નેતાઓ પર કટાક્ષ કરતું કાવ્ય ‘કીડીબાઈ આવજો’  જેવા કાવ્યો સાંભળવાની મસ્તીમાં સહુ કોઈ મંત્રમુગ્ધ થયાં હતાં.

કાર્યક્રમમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટીનાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સંગીતા શ્રીવાસ્તવ, સ્કુલનાં વાઈસ પ્રિન્સીપાલ ક્ષમા વાલંઝુ, પ્રાથમિક શાળાનાં પ્રાચાર્યા કવિતા મારુ તેમજ મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક ભાવેશભાઈ મહેતા તેમના યુવામંડળ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.