મુંબઈમાં કોરોનાનાં ઓછા પરીક્ષણો; નવા કેસ ઘટ્યા

મુંબઈઃ મંગળવારે સતત ચોથા દિવસે મુંબઈમાં કોરોના વાઈરસના કેસો 1,000થી પણ ઓછી સંખ્યાના નોંધાયા હતા. નવો ચેપ લાગ્યો હોય એવા 541 કેસ નોંધાયા હતા અને આ વૈશ્વિક રોગચાળાને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા 14 હતી. આ સાથે મુંબઈમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 2,70,654 થઈ છે અને મરણાંક 10,596 થયો છે.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે મુંબઈમાં કોવિડ-19 ટેસ્ટિંગની સંખ્યામાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે અને એને કારણે જ આ રોગના નવા કેસોની નોંધણીમાં ઘટાડો થયો છે. ઘણા કેસોમાં કોરોનાની તપાસ થઈ નથી એને નિષ્ણાતોએ ચિંતાજનક બાબત ગણાવી છે.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગયા અઠવાડિયે મુંબઈમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 10,000 સુધી ઘટી ગઈ હતી. આ આંક નવેમ્બરના આરંભમાં 13,000-14,000 હતો. દિવાળીનું સપ્તાહ શરૂ થયું ત્યારથી કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો થયો હતો. તેથી ચિંતા થઈ રહી છે કે ઘણા લોકોને કોરોનાના લક્ષણ હશે, પરંતુ તેઓ ટેસ્ટિંગ માટે આગળ આવ્યા નથી.