મુંબઈ – મહારાષ્ટ્રમાં વિસ્ફોટો કરવાના કથિત ષડયંત્ર અને વિસ્ફોટકોની જપ્તીના કેસના સંબંધમાં મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડના અધિકારીઓએ વધુ બે જણની ધરપકડ કરી. આ સાથે આ કેસમાં પકડાયેલા લોકોની સંખ્યા સાત થઈ છે.
નવી ધરપકડ મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાંથી કરવામાં આવી છે.
અગાઉ પકડાયેલી વ્યક્તિઓની પૂછપરછને પગલે એટીએસ અધિકારીઓએ શનિવારે જળગાંવ જિલ્લાના સાકરી નગરમાંથી વાસુદેવ સૂર્યવંશી (29) અને વિજય ઉર્ફે ભૈયા લોધી (32)ની ધરપકડ કરી છે. આ બંનેની પૂછપરછ કર્યા બાદ અધિકારીઓએ બંનેને કસ્ટડીમાં પૂર્યા હતા.
એટીએસ અધિકારીઓને શંકા છે કે આ બંને શખ્સે રાજ્યમાં અનેક સ્થળે ધડાકા કરવા માટે વિસ્તારોની છૂપી તપાસ કરવા માટે અન્ય આરોપીઓને વાહનો પૂરા પાડ્યા હતા.
બંને શખ્સ પાસેથી અમુક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે જેમાં કેટલાક નકશાનો સમાવેશ થાય છે. એટીએસ અધિકારીઓ હવે આ બંને શખ્સને આજે કોર્ટમાં હાજર કરશે.
એટીએસ અધિકારીઓએ ગયા મહિને મહારાષ્ટ્રમાં અનેક સ્થળેથી શસ્ત્રો તથા વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાયા બાદ વૈભવ રાઉત, શરદ કાળસકર, સુધન્વા ગોંધળેકર, શ્રીકાંત પાંગરકર અને અવિનાશ પવારની ધરપકડ કરી હતી.
આ આરોપીઓ પુણેમાં એક વેસ્ટર્ન મ્યુઝિક મહોત્સવ સ્થળે બોંબ ધડાકા કરાવવાનો પ્લાન ઘડી રહ્યા હોવાનું મનાય છે.