મહિલાઓ માટે મુંબઈ સૌથી સુરક્ષિત શહેરઃ શિવસેના

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક મહાવિકાસ આઘાડીની સરકારમાં ભાગીદાર પક્ષોમાંના એક, શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે મુંબઈમાં એક મહિલાની અધમ બળાત્કાર બાદ કરાયેલી હત્યાની ઘટનાએ સૌને ચોંકાવી દીધાં છે, પરંતુ મુંબઈ શહેર દુનિયાભરમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર છે અને એ વિશે કોઈના મનમાં કોઈ પ્રકારનો સંદેહ હોવો ન જોઈએ. શિવસેનાએ ‘સામના’ અખબારમાં તંત્રીલેખમાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં મહિલાઓ પર અત્યાચારની હાલની ઘટનાઓ રાજ્યની સંસ્કૃતિ પર એક કાળા ડાઘ સમાન છે અને લોકોનો ગુસ્સો પણ વાજબી છે. મુંબઈના અંધેરી (ઈસ્ટ)ના સાકીનાકા વિસ્તારમાં 34 વર્ષની એક મહિલા પર ક્રૂરતા આચરીને એનાં કરાયેલા બળાત્કાર અને બાદમાં એની હત્યાની ઘટનાએ દિલ્હીમાં 2012માં બનેલી ‘નિર્ભયા’ સામુહિક બળાત્કારની ઘટનાની યાદ અપાવી છે. સાકીનાકા વિસ્તારની ઘટનાના શકમંદની ધરપકડ કરવામાં આવી છે અને એની પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આવી ઘટનાઓ ભયંકર માનસિક વિકૃતિને કારણે બને છે.

ગયા વર્ષે ઉત્તર પ્રદેશના હાથરસમાં પણ 19 વર્ષની દલિત યુવતી પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં એની હત્યા કરવામાં આવી હતી. હાથરસના કિસ્સામાં તો પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં વિલંબ કર્યો હતો અને સરકારે પણ પુરાવાનો નાશ કરવા પીડિતાનાં મૃતદેહને સળગાવી દીધો હતો. યોગી આદિત્યનાથની સરકારે કહ્યું હતું કે હાથરસમાં કોઈ બળાત્કારની ઘટના બની નથી, જે દાવો ખોટો સાબિત થયો હતો, એમ ‘સામના’ના તંત્રીલેખમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]