દહિસર ચેકનાકા પર ટ્રાફિક સમસ્યા ઉકેલવા એક્શન-પ્લાન

મુંબઈઃ મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે મુંબઈ-અમદાવાદને જોડતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહિસર (પૂર્વ)માં ટોલનાકા (ચેકનાકા) ખાતે અતિશય ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા એક પગલાં યોજના ઘડવામાં આવી છે. આ માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી), MMRDA (મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી), MSRDC (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન) અને મુંબઈ ટ્રાફિક પોલીસ વહીવટીતંત્રોએ એક પગલાં યોજનાનો અમલ પણ શરૂ કરી દીધો છે અને તેને પગલે લોકોની ટ્રાફિક સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવી જશે.

ઉલ્લેખનીય છે કે, દહિસર (મુંબઈ)ની હદ અને મીરારોડ-ભાયંદર (થાણે જિલ્લો)ની હદ પર આવેલા દહિસર ચેકનાકા ખાતે દરરોજ ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. એને કારણે મીરા-ભાયંદરથી મુંબઈ તરફ આવતાં લોકોને બેથી ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાઈ રહેવું પડે છે. વળી, બંને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ખાતે વાહનચાલકોએ 80 રૂપિયા પણ ચૂકવવા પડે છે. હાલ મેટ્રો લાઈન-9નું કામ પણ ચાલી રહ્યું છે અને ટોલ નાકા ખાતે થાંભલા બાંધવામાં આવી રહ્યા છે એને કારણે ફાસ્ટટેગ લેન પરનું કામકાજ મોડું પડે છે. દહિસર ટોલ નાકા ખાતે દરરોજ આશરે ચાર લાખ જેટલા વાહનોની અવરજવર રહેતી હોય છે.