મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે ‘દાસ્તાનગોઈ’

મુંબઈઃ ‘દાસ્તાનગોઈ’નાં મૂળ આમ તો અરબસ્તાનમાં મુસ્લિમ ધર્મ આવ્યો એ અગાઉનો ગણાય છે, પણ સદીઓ અગાઉ વાયા ઇરાન થઈને મુઘલ શાસનમાં એણે ભારતમાં પ્રવેશ કર્યો. ઉર્દૂ અને ફારસી પરંપરામાં ‘દાસ્તાનગોઈ’ એટલે વાર્તા કહેવી.  ‘દાસ્તાન’ એટલે વાર્તા અને ‘ગોઈ’ એટલે કહેવું. ‘દાસ્તાનગો’ એટલે વાર્તા કહેનાર.

ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ વાર્તાઓ મુંબઈનાં નાટ્ય કલાકારો દ્વારા દાસ્તાનગોઈની પરંપરા મુજબ રજૂ કરવામાં આવશે. જાણીતા નાટ્યકર્મી પ્રીતેશ સોઢા તથા કવિ હિતેન આનંદપરાએ દાસ્તાનગોઈના આ સ્વરૂપનું ગુજરાતીમાં અવતરણ કર્યું છે અને કેટલાક કાર્યક્રમો મુંબઈમાં તથા મુંબઈ બહાર પણ કર્યા છે.

મુંબઈના કાંદિવલીમાં ૨૫ નવેમ્બર શનિવારે સાંજે  ૫ વાગ્યે યોજાયેલા ‘દાસ્તાનગોઈ ‘કાર્યક્રમમાં જાણીતા વરિષ્ઠ કલાકાર પ્રતાપ સચદેવ, મંજાયેલા કલાકારો અલ્પેશ દીક્ષિત, રિન્કુ પટેલ, યુવાન પ્રતિભા પ્રીતા પંડ્યા તથા પ્રિયમ જાની જે ટૂંકી વાર્તાઓ રજૂ કરશે, એના લેખક ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, દિનકર જોષી તથા મીનલ દવે છે. કવિ સંજય પંડ્યા સંચાલકની ભૂમિકામાં છે.      

આ કાર્યક્રમ લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ વી રોડ, કાંદિવલીના સરનામે યોજાશે. અકાદમી કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર, નિદેશક સચિન નિંબાલકર તથા પ્રગતિ મિત્ર મંડળના પ્રમુખ મુકેશ દોશી, સંયોજક અનંતરાય મહેતા, સાહિત્ય વિભાગ અધ્યક્ષ પ્રતિમા પંડ્યા, આ અનોખી પ્રસ્તુતિ માણવા સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.