મુંબઈઃ અરબી સમુદ્રમાં આકાર પામેલું ભયાનક ‘તાઉ’તે’ ચક્રવાતી વાવાઝોડું આજે સવારે ભલે મુંબઈના સમુદ્રકાંઠાથી 100 કિ.મી. દૂરથી પસાર થઈ ગયું, પણ એને કારણે અતિ ઝડપે ફૂંકાયેલા પવન અને ધોધમાર વરસાદે મુંબઈ શહેર, ઉપનગરો તથા પડોશના થાણે, રાયગડ, પાલઘર જિલ્લાઓમાં સમગ્ર જનજીવનને સ્થગિત કરી દીધું છે તથા અનેક ઠેકાણે નુકસાન વેર્યુ છે. સમગ્ર વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરાયું હતું, પરંતુ બપોરે 1 વાગ્યા બાદ વરસાદનું પ્રમાણ અને પવનની ગતિ વધી ગયા હતા. હવામાન વિભાગે બપોરે 1 વાગ્યે મુંબઈ માટેની ચેતવણીને અપગ્રેડ કરી હતી અને થોડાક કલાકો સુધી અત્યંત ભારે વરસાદની ચેતવણી ઈસ્યૂ કરી હતી. તે ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) તરફથી પણ જણાવાયું હતું કે કાતિલ પવન ફૂંકાવાનું ચાલુ રહેશે અને પવનની ગતિ પ્રતિ કલાક 120 કિ.મી. સુધી વધી શકે છે.
બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતેના કોવિડ-કેર સેન્ટરના પતરા ઉડી ગયા હતા અને સેન્ટરમાં પણ ઘણું નુકસાન થયું છે. મુંબઈમાં અનેક સ્થળે ભારે પવને અનેક ઝાડને ઉખેડી નાખ્યા છે. અનેક રસ્તાઓ પર ઝાડ પડેલા જોવા મળ્યા હતા. ઘાટકોપર અને વિક્રોલી રેલવે સ્ટેશનોની વચ્ચે એક ઝાડ એક લોકલ ટ્રેન પર પડ્યું હતું. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ અમુક સમય સુધી તે લાઈન પર લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. શહેરમાં છ સ્થળે દીવાલ-ભીંત તૂટી પડ્યાની ઘટના બની છે. તેમજ પેડર રોડ, હિંદમાતા, મહાલક્ષ્મી જંક્શન, સાંતાક્રૂઝ નજીકના મિલન સબવેમાં પાણી ભરાયા હતા. અંધેરી પશ્ચિમ-પૂર્વને જોડતા સબવેમાં પણ પાણી ભરાતાં એને બંધ કરી દેવામાં આવ્યો છે.
