મુંબઈ: ગઈ 3 જૂને ફૂંકાયેલા નિસર્ગ ચક્રવાતી વંટોળિયાએ મહારાષ્ટ્રના કોકણ સમુદ્ર પટ્ટાવિસ્તાર પર આવેલા રાયગડ જિલ્લાના કાંઠાળ વિસ્તારોમાં ભારે નુકસાન વેર્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે રાયગડ જિલ્લાની મુલાકાતે ગયા હતા અને નુકસાનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.
ઠાકરેએ સમુદ્રકાંઠા પર વસેલા ગામોની મુલાકાત લીધી હતી. અનેક ગામોમાં વ્યાપક પણે નુકસાન થયું છે.
આ આફતને ધ્યાનમાં લઈને ઠાકરેએ રાયગડ જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન કામગીરીઓ હાથ ધરવા માટે રાજ્ય સરકાર તરફથી રૂ. 100 કરોડની તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે.
નિસર્ગ વાવાઝોડાએ ગઈ 3 જૂને બપોરે રાયગડ જિલ્લાના અલીબાગ પર લેન્ડફોલ કર્યું હતું અને અલીબાગ ઉપરાંત શ્રીવર્ધન, રોહા સહિતના નગરોમાં 100 કિ.મી. કરતાંય વધારે ઝડપે ફૂંકાયેલા પવનને કારણે અનેક મકાન-ઘરના છાપરા ઉડી ગયા હતા. અનેક ઘર-મકાનોને નુકસાન થયું છે.
એ બધાયનું પંચનામું કરતાં 4-6 દિવસ લાગશે. ત્યારબાદ નુકસાન ભરપાઈનું સ્વરૂપ નક્કી કરાશે એવું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે.
વાવાઝોડાને કારણે રાયગડ જિલ્લાના આ ભાગોમાં વીજપૂરવઠા, મોબાઈલ ટાવરોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. એ કામગીરીઓને પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર વધારે કર્મચારીઓની ટૂકડીઓ મોકલશે.
ઉદ્ધવ ઠાકરે આજે સવારે લગભગ 11.30 વાગ્યે મુંબઈમાં ગોલ્ડન ગેટથી રો-રો બોટસેવા મારફત માંડવા જેટ્ટી ખાતે ગયા હતા. બપોરે 12.30 વાગ્યે તેઓ માંડવા જેટ્ટી પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, 3 જૂનની બપોરે ચક્રવાત નિસર્ગ મહારાષ્ટ્રના પશ્ચિમી કાંઠે ત્રાટક્યું હતું, પરંતુ સદ્દનસીબે મુંબઈ શહેર અને જિલ્લો તથા પડોશના થાણે અને પાલઘર જિલ્લાઓ પણ આબાદ બચી ગયા હતા. અલીબાગથી વાવાઝોડું જેમ આગળ વધ્યું કે તરત એનું જોર નરમ પડી ગયું હતું. દક્ષિણ મુંબઈમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ પવનની ગતિ 50 કિ.મી.થી આગળ વધી શકી નહોતી.