વાવાઝોડા વખતે શું કરવું, શું ન કરવું: મુંબઈવાસીઓ માટે સૂચના

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ દેશના આર્થિક પાટનગર મુંબઈને સ્થગિત કરી જ દીધું છે ત્યાં હવે વાવાઝોડું નિસર્ગ શહેરીજનોને અનુભવ કરાવશે. આ વાવાઝોડું મુંબઈના દ્વારે આવી પહોંચ્યું છે અને આજે રાતે અથવા આવતીકાલે ફૂંકાવાની આગાહી કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગની ચેતવણી અનુસાર, આ વાવાઝોડું અરબી સમુદ્રમાં શરૂઆતમાં ડીપ્રેશનના સ્વરૂપમાં હતું. ત્યારબાદ ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થયું છે. 12 કલાકમાં ચક્રવાતમાં પલટાશે અને તે પછીના 12 કલાકમાં તીવ્ર ચક્રવાતમાં પલટાશે. 3 જૂનની બપોરે આ ચક્રવાત ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કાંઠા પરથી પસાર થશે. એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 100થી 120 કિ.મી.ની હશે.

3 જૂનના બુધવારે મહારાષ્ટ્રમાં ઘણે ઠેકાણે અતિ ભારે વરસાદ પડશે.

મુંબઈ મહાનગરપાલિકાએ શહેરીજનો માટે કેટલીક સૂચનાઓ બહાર પાડી છે, જેમાં જણાવાયું છે કે વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું.

શું કરવું એની યાદીઃ

 • ઘરની બહાર મૂકેલી છૂટી વસ્તુઓને બાંધી રાખવી અથવા ઘરની અંદર લઈ લેવી.
 • મહત્ત્વના દસ્તાવેજો અને ઝવેરાતને એક પ્લાસ્ટિકની બેગમાં મૂકી રાખવા.
 • ટીવી અને રેડિયો પર માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ ધ્યાન આપવું.
 • ઈમરજન્સી કિટ તૈયાર રાખવી
 • ઘરની બારીઓથી દૂર રહેવું.
 • કેટલીક બારી બંધ રાખવી, કેટલીક ખુલ્લી રાખવી જેથી પ્રેશર જળવાઈ રહે
 • રૂમના મધ્યભાગમાં રહેવું.
 • ખૂણાઓથી દૂર રહેવું, કારણ કે કાટમાળ ખૂણાના ભાગોમાં જમા થતો હોય ચે.
 • ટેબલ કે હેવી ટેબલ કે ડેસ્ક જેવા મજબૂત ફર્નિચરની નીચે સંતાઈ જવું અને એને મજબૂત રીતે પકડી રાખવું
 • તમામ નોન-ઈમરજન્સી સાધનોનો વિદ્યુત પુરવઠો કાપી નાખો
 • સ્વચ્છ પાત્રોમાં પીવાનું પાણી ભરી રાખો
 • સપડાયેલા કે ઈજાગ્રસ્ત થયેલા લોકોને મદદ કરો. એમને પ્રાથમિક સારવાર આપો.
 • ગેસ લીક ન થાય એનું ધ્યાન રાખવું. ગેસની વાસ આવે કે લીક થતો હોય એવો અવાજ આવે તો તત્કાળ બારીઓ ખોલી નાખો અને મકાનમાંથી બહાર નીકળી જાવ. શક્ય હોય તો ગેસનો વાલ્વ બંધ કરો અને ગેસ કંપનીને જાણ કરો.
 • વીજળીના વાયરમાંથી તણખા ઝરતા દેખાય કે રબર બળવાની વાસ આવે તો મુખ્ય પાવર સપ્લાય બંધ કરી દો અને ઈલેક્ટ્રિશીયનને જાણ કરો.

શું ન કરવું એની યાદીઃ

 • અફવાઓ ફેલાવશો નહીં કે માનશો નહીં
 • વાવાઝોડું ફૂંકાતું હોય ત્યારે વાહન ચલાવવાનો પ્રયત્ન ન કરવો કે કોઈ વાહનમાં સફર ન કરવી
 • નુકસાન પામેલા મકાન-ઈમારતોથી દૂર રહો
 • તદ્દન સલામતી ન હોય ત્યાં સુધી ઈજાગ્રસ્ત લોકોને ખસેડશો નહીં, કારણ કે એનાથી વધારે હાનિ થઈ શકે
 • તેલ કે અન્ય જ્વલનશીલ પદાર્થને ઢોળાવા દેશો નહીં. એને તરત જ સાફ કરી દેવું.

મુંબઈ મહાપાલિકાએ શહેરીજનો માટે એક હેલ્પલાઈન નંબર આપ્યો છે. રહેવાસીઓ 1916 નંબર ડાયલ કરી શકે છે અને 4 નંબરને પ્રેસ કરીને વાવાઝોડા સંબંધિત કોઈ પણ જાણકારી મેળવી શકે છે.

આ વાવાઝોડાનો માર્ગ કેવો હશે?

‘નિસર્ગ’ વાવાઝોડું 3 જૂનથી 6 જૂન સુધી ભારતની ધરતી પર રહેવાનું છે.

મુંબઈમાં 129 વર્ષ બાદ આ પહેલી જ વાર ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાનું છે. આ પહેલાં 1882માં ફૂંકાયું હતું.

આ વાવાઝોડું 3 જૂને બપોરે 4 વાગ્યાની આસપાસ મુંબઈની પડોશના અલીબાગથી મુંબઈના કિનારા પર ત્રાટકશે. ત્યારબાદ વરલી વિસ્તાર પરથી પસાર થઈ થાણેની દિશા તરફ આગળ વધશે.

3 જૂન રાત્રે 8 વાગ્યે થાણે જિલ્લાના પાચવડથી ભિવંડી, ઉંબરપાડા, વાડા માર્ગે ઈગતપુરી તરફ આગળ વધશે

4 જૂન મધરાત બાદ 1 વાગ્યે ઈગતપુરીથી ત્રંબકેશ્વર, કપરાડા માર્ગે વણી તરફ જશે

4 જૂન રાતે 2 વાગ્યે વણી, સાપુતારાથી આગળ વધશે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]