મુંબઈઃ કોરોના વાઈરસને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનનો હાલ ચોથો રાઉન્ડ ચાલુ છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે કેટલીક માર્ગદર્શિકા ફેરફાર સાથે રિલીઝ કરી છે.
નવી માર્ગદર્શિકા અનુસાર, જે કોઈ રહેણાંક સોસાયટી કે મકાનમાં માત્ર એક જ જણને કોરોના વાઈરસ બીમારી લાગુ પડી હશે તો એને કારણે આખું મકાન કે સોસાયટીને સીલ કરવામાં નહીં આવે, પરંતુ માત્ર રહેવાસી રહેતો હોય એ માળને જ સીલ કરવામાં આવશે.
અત્યાર સુધી કોઈ હાઉસિંગ સોસાયટી પરિસરમાં એકાદ કોરોના વાઈરસ (કોવિડ-19) દર્દી હોવાનું માલૂમ પડતું તો મહાનગરપાલિકા તંત્ર એ ઈમારતને કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરી દઈને એને સીલ કરી દેતું હતું. ત્યારબાદ એ મકાન કે સંકુલમાં રહેનાર કોઈ પણ વ્યક્તિને પરિસરની બહાર જવા દેવામાં આવતી નહોતી કે બહારથી કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવામાં આવતી નહોતી. સોસાયટી કે મકાનનો ગેટ સીલ કરી દેવામાં આવતો હતો.
હવે લોકડાઉનના નવા રાઉન્ડમાં, આ વિશેના નિયમોને હળવા બનાવવામાં આવ્યા છે અને માત્ર દર્દી રહેતો હોય એ માળ (ફ્લોર)ને જ સીલ કરવામાં આવે છે. આખી વિન્ગ કે સોસાયટી કે મકાનને નહીં.
કન્ટેનમેન્ટ ઝોનમાં લાગુ કરાયેલા નિયમોનો ભંગ કરનારને એપેડેમિક એક્ટ અંતર્ગત કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, સંબંધિત હાઉસિંગ સોસાયટીની કમિટી સામે પણ આઈપીસીની કલમ 188 અંતર્ગત કેસ નોંધવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ માનવ જીવન, સ્વાસ્થ્ય કે સુરક્ષા માટે જોખમ ઊભું કરે તો આ કલમનું ઉલ્લંઘન કરવાના ગુનાસર એને એક મહિનાની જેલ કે 200 રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ છે.
પોઝિટીવ કોરોના લક્ષણવાળા દર્દીને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ (ડીસીએચ)માં શિફ્ટ કરવામાં આવે છે. એવા દર્દીને પથારીની ઉપલબ્ધતા અનુસાર અને એની આર્થિક શક્તિ અનુસાર ખાનગી કે સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવે છે. પોઝિટીવ પરંતુ કોરોનાના લક્ષણ ન હોય એવા દર્દીને ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર, હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે, પરંતુ એના ઘરમાં એ માટેની સુવિધાઓ પર્યાપ્ત હોવી જોઈએ અને એ વિશે દર્દીએ લેખિતમાં બાંહેધરી આપવાની રહે છે.
રહેણાંક મકાનો અને સોસાટટીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્થાનિક શાકભાજી-ફળ વેચતા ફેરિયાઓ કે દુકાનદારો સાથે, મેડિકલ સ્ટોર્સ સાથે અને ઓનલાઈન વેપારીઓ સાથે સહયોગ કરે જેથી તેઓ ચીજવસ્તુઓની ડિલીવરી સોસાયટીના મકાનના પ્રવેશદ્વાર ખાતે કરે.
કોરોનાવાઈરસ રોગચાળાના સંદર્ભમાં સત્તાવાળાઓએ તમામ નાગરિકોને સૂચના આપી છે કે એમણે જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું કડક રીતે પાલન કરવું.
સૂચના અનુસાર, કોઈ પણ ઘરનોકર, ફેરિયા કે સર્વિસ પ્રોવાઈડર વ્યક્તિને મકાનની અંદર પ્રવેશવાની પરવાનગી નથી.
દર્દીના ઘર તથા એની સાથેના કોમન એરિયામાં જંતુનાશક દવા છાંટીને એ ભાગ સ્વચ્છ કરતા રહેવાનો પણ સત્તાવાળાઓએ આદેશ આપ્યો છે. દર્દીના ઘરવાળો માળ સીલ કરી દેવાય એ પછી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) સીલ કરાયેલા ભાગ વિશેનો દસ્તાવેજ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારોને સુપરત કરશે.
સોસાયટીઓને જણાવવામાં આવ્યું છે કે હોમ-ક્વોરન્ટાઈન કરવામાં આવેલા કોરોના લક્ષણ-વિહોણા દર્દીઓને આવશ્યક ચીજવસ્તુઓની એમના ઘેર ડિલીવરી કરવામાં આવે.
તમામ સોસાયટીઓને જણાવવામાં આવ્યું છે કે કોરોના દર્દીઓ કે ક્વોરન્ટાઈન કરાયેલા નાગરિકો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ રાખવો નહીં અને કોઈ પ્રકારનો ગભરાટ ફેલાવ્યા વગર એમને સપોર્ટ આપવો તથા મનોવૈજ્ઞાનિક બાંહેધરી આપવી.