બહારગામથી મુંબઈ આવતા લોકો માટે મુંબઈના દરિયાનું અનેરું આકર્ષણ રહે છે. ચોપાટીનો દરિયો, જુહૂનો દરિયો, ગોરાઈનો દરિયો… દરેક દરિયાકિનારાનાં આગવાં રંગ-રૂપ છે. આ બધામાં જુહૂનો દરિયાકિનારો સહેલાણીઓને સૌથી વધુ આકર્ષે છે.
જુહૂના આ દરિયાકિનારાની વિશેષ તસવીરો ધરાવતા એક કોફી ટેબલ બુકનું વિમોચન ૧૬ નવેંબરના શનિવારે મુંબઈમાં થઈ રહ્યું છે, જેના તસવીરકાર છે મૌલિક કોટક. ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક સિદ્ધહસ્ત ફોટોગ્રાફર છે. ફોટોગ્રાફી માટે ૧૭ વર્ષની ઉંમરે ‘સર ઈબ્રાહિમ રહિમતુલ્લા એવોર્ડ’ જીતનારા મૌલિકભાઈના ફોટોગ્રાફ્સ ‘ચિત્રલેખા’, ‘બીજ’, ‘જી’ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગેઝિનોમાં પ્રગટ થતા રહ્યા છે.
જુહૂના દરિયાકિનારે મોર્નિંગ વોક લેવા જતા મૌલિકભાઈ પિતા વજુ કોટકની જેમ હંમેશાં ખભે કેમેરા લટકાવીને ઘરબહાર નીકળે. વહેલી સવારે, બપોરે અને સાંજે… જ્યારે સમય મળે ત્યારે ક્લિક ક્લિક કરતા જાય. એમાંથી તૈયાર થયું ‘લાઈફ ઓન જુહૂ બીચ’ નામનું અદ્દભુત ફોટો-પુસ્તક.