તખ્તો તૈયાર? શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ રાજ્યપાલને મળશે

મુંબઈ: એનસીપી નેતા નવાબ મલિકે જણાવ્યું કે, શનિવારે શિવસેના-કોંગ્રેસ અને એનસીપીના નેતા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી શકે છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ મુલાકાતમાં ત્રણેય પક્ષોના નેતા રાજ્યપાલ સમક્ષ ગઠબંધનની સરકાર બનાવવા માટે દાવો રજૂ કરી શકે છે.

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને શિવસેના-એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સહમતિ બનવાના સમાચારો વહેતા થયા છે. ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી કઈ પાર્ટીના હશે? એ સવાલનો જવાબ આપતા એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે, આ સવાલ વાંરવાર પુછવામાં આવી રહ્યો છે કે, શિવસેનામાંથી સીએમ હશે? સીએમ પોસ્ટને લઈને જ શિવસેના-ભાજપ વચ્ચે વિવાદ થયો હતો તો સ્વભાવિક છે કે, હવે શિવસેનામાંથી જ કોઈ મુખ્યમંત્રી હશે. શિવસેનાને અપમાનિત કરવામાં આવી છે, તેથી તેમનું સ્વાભિમાન જાળવી રાખવું અમારી જવાબદારી છે.

તો આ તરફ એનસીપી ચીફ શરદ પવારે આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોના મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રના ખેડૂતો સંકટમાં છે. ભારે વરસાદને પગલે સંતરાના પાકને મોટું નુકસાન થયું છે. પવારે ભાજપ સરકારને ખેડૂતોની મદદ માટે આગળ આવવા કહ્યું.

ત્રણેય પાર્ટીઓ વચ્ચે ગુરુવારે ન્યૂનતમ સામાન્ય કાર્યક્રમને લઈને સહમતિ બની ગઈ છે. એવી ચર્ચા છે કે, મુખ્યમંત્રી પદ પાંચ વર્ષ માટે શિવસેના પાસે જ રહેશે, તો કોંગ્રેસ-એનસીપીમાંથી એક-એક ડેપ્યૂટી સીએમ હોઈ શકે છે. મહત્વનું છે કે, ગુરુવારે ત્રણેય પાર્ટીઓના નેતાઓની સંયુક્ત બેઠક મળી, જેમાં એક ન્યૂનતમ સામાન્ય કાર્યક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. આ બેઠક દરમ્યાન ત્રણેય પાર્ટીઓમાં કેટલાક મુદ્દાઓને લઈને સહમતિ બની. જેમાં મહારાષ્ટ્રમાં મુસ્લિમોને 5 ટકા આરક્ષણ આપવું, શિવસેના દ્વારા વીર સાવરકરને ભારત રત્ન આપવાની માગથી પીછે હટ વગેરે મુદ્દાઓ સામેલ છે.