મુંબઈઃ મુંબઈને સુંદર અને સુશોભિત કરીને તેની એક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર બનાવવાની મહારાષ્ટ્ર સરકારની નેમ છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને મહત્ત્વની સૂચના આપી હતી. તેમણે નોંધ્યું હતું કે આ સ્થળે દરરોજ સવારે મોર્નિંગ વોક માટે અનેક લોકો આવતાં હોય છે. પરંતુ માત્ર એક જ જાહેર શૌચાલય કે સ્વચ્છતાગૃહ છે. તેમણે એ શૌચાલયની સાફસફાઈનું પણ નિરીક્ષણ કર્યું હતું.
બધું જોયા બાદ એમણે અધિકારીઓને સૂચના આપી હતી કે મરીન ડ્રાઈવ ખાતે ફરવા અને મોર્નિંગ વોક કરવા દરરોજ હજારો લોકો આવતાં હોય છે. તે છતાં અહીં માત્ર એક જ સ્વચ્છતાગૃહ છે તે પર્યાપ્ત નથી. તેની સંખ્યા વધારવી જોઈએ.
શિંદેએ તે ઉપરાંત મરીન ડ્રાઈવ જેટ્ટી પાસેની જગ્યાને સુંદર અને સુશોભિત કરવાની પણ અધિકારીઓને સૂચના આપી હતી. એ વખતે શિંદેની સાથે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર, પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢા, મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.
(તસવીર સૌજન્યઃ @CMOMaharashtra)
