મુંબઈ – મધ્ય રેલવેએ આગામી દિવાળી તહેવારથી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા મુંબઈગરાંઓને મફત વાઈ-ફાઈ સુવિધા આપવાનું નક્કી કર્યું છે.
‘કન્ટેન્ટ ઓફ ડિમાન્ડ’ યોજના અંતર્ગત લોકલ ટ્રેનોમાં વાઈ-ફાઈ સુવિધા આપવાનો મધ્ય રેલવેએ નિર્ણય લીધો છે. એ માટે દિવાળીનું મુહૂર્ત નક્કી કરાયું છે.
દરરોજ સવાર-સાંજ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ઘણી વાર પ્રવાસીઓને મોબાઈલ ઈન્ટરનેટ કનેક્શન ન મળવાની સમસ્યા રહે છે. પ્રવાસીઓની આ તકલીફ દૂર કરવા માટે હવે લોકલ ટ્રેનના ડબ્બાઓમાં જ વાઈ-ફાઈ સિસ્ટમ બેસાડવામાં આવશે.
મધ્ય રેલવે 165 લોકલ ટ્રેનોમાં વાઈ-ફાઈ સિસ્ટમ મૂકાવી રહ્યું છે. એમાં પ્રી-લોડેડ ફિલ્મ, ટીવી સિરિયલ અને ગીતોનો સમાવેશ થાય છે. એનો ઉપયોગ કરવા માટે પ્રવાસીઓએ માત્ર એમનું મોબાઈલ વાઈ-ફાઈ ઓન કરવાનું રહેશે. વાઈ-ફાઈ લોગઈન કર્યા બાદ પ્રવાસીઓ પ્રી-લોડેડ માહિતી મોબાઈલ પર જોવા મળશે, એમ રેલવેના સૂત્રોનું કહેવું છે.
હાલ લોકલ ટ્રેનોમાં વાઈ-ફાઈ બેસાડવાનું કામ ચાલુ છે. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં આ સુવિધાનો લાભ પ્રવાસીઓને મળશે એવી ધારણા છે.
પ્રી-લોડેડ વાઈ-ફાઈ માટે મધ્ય રેલવેએ એક ખાનગી કંપની સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે.
હાલ મુંબઈના ઘણા સ્ટેશનો પર ગૂગલ કંપની દ્વારા મફત વાઈ-ફાઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે, પરંતુ ટ્રેન ચાલુ થઈ જાય પછી વાઈ-ફાઈ મળતું બંધ થઈ જાય.