મુંબઈના આરે કોલોનીમાં 21 ઓક્ટોબર સુધી ઝાડ કાપવાની સુપ્રીમ કોર્ટની મનાઈ

નવી દિલ્હી – મુંબઈના આરે મિલ્ક કોલોની વિસ્તારમાં વધુ વૃક્ષ કાપવા પર સુપ્રીમ કોર્ટે આજે પ્રતિબંધ મૂકી દીધો છે અને મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે 21 ઓક્ટોબર સુધી સ્થિતિ યથાવત્ રાખવી. એ દિવસે કોર્ટ કેસમાં ફરી સુનાવણી કરશે.

આ બાબત પર ત્યારે સુપ્રીમ કોર્ટની જંગલોને લગતી બાબતોની બેન્ચ પરના અધિકારીઓ નક્કી કરશે કે આરે મિલ્ક કોલોની વિસ્તાર જંગલ વિસ્તાર છે? કે પર્યાવરણ માટે સંવેદનશીલ ઝોન છે?

સુપ્રીમ કોર્ટે આજે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રોની લાઈન-3 માટે કાર શેડ (યાર્ડ) બાંધવા માટે 21 ઓક્ટોબર સુધી એક પણ ઝાડ કાપવા નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયનું પાલન કરવાની ખાતરી મેળવવા માટે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર પાસેથી ખાતરી રેકોર્ડ કરાવી હતી.

ન્યાયમૂર્તિઓ અરૂણ મિશ્રા અને અશોક ભૂષણની બનેલી બેન્ચે પોલીસને આદેશ આપ્યો છે કે વૃક્ષો કાપવા સામેના વિરોધ કરતા જે લોકોની આજ સુધીમાં ધરપકડ કરવામાં આવી છે એ તમામ કાર્યકર્તાઓને છોડી મૂકવા.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે મહારાષ્ટ્ર સરકાર આરે કોલોનીમાં વધુ ઝાડ નહીં કાપે.

અરજદારો વતી સિનિયર એડવોકેટ્સ – સંજય હેગડે અને ગોપાલ શંકરનારાયણન ઉપસ્થિત થયા હતા. એમણે કોર્ટને કહ્યું હતું કે આરે મિલ્ક કોલોની જંગલ છે કે નહીં એ મુદ્દે સુપ્રીમ કોર્ટે હજી નિર્ણય જાહેર કર્યો નથી. એવી જ રીતે, આ વિસ્તાર પર્યાવરણ રક્ષમ માટે સંવેદનશીલ છે કે નહીં એ મુદ્દે પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યો છે.

 

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે સરકારે છેલ્લા અમુક વર્ષોમાં 20 હજારથી વધારે વૃક્ષોનું રોપણ કર્યું છે.

પરંતુ ન્યાયાધીશોને એ વાત ગળે ઉતરી નહોતી અને એમણે મહેતાને કહ્યું કે સરકારને કહો કે એ વિશે તસવીરો સહિત અહેવાલ સુપરત કરે.

આરે કોલોની ગોરેગાંવ ઉપનગરના પૂર્વ ભાગમાં ભરપૂર હરિયાળી ધરાવતો વિસ્તાર છે. જ્યાં પાંચ લાખથી વધારે વૃક્ષો છે. સંજય ગાંધી નેશનલ પાર્કનો એક ભાગ આરે કોલોનીને મળે છે. આ વિસ્તાર મુંબઈ શહેરનાં ફેફસાં તરીકે ઓળખાય છે.