ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી…
****
બેફામ તોય કેટલું થાકી જવું પડયું,
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી…
મુંબઈઃ ઉપરોક્ત આ બે પંકિત વાંચીને આપણને કોણ યાદ આવે? યસ, આમ તો આ નામ પંક્તિમાં આવી જ ગયું છે, આ નામ છે કવિશ્રી બરકત વિરાણી ઉર્ફે બેફામ. બેફામનું આ શતાબ્દિ વરસ ચાલી રહ્યું છે, જે નિમિત્તે કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ દ્વારા શનિવાર તા.૨૫ માર્ચે ‘કવિ બરકત વિરાણી બેફામ શતાબ્દી વંદના’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાહિત્ય, સંગીત, કળા, સંસ્કૃતિ, જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત સંવિત્તિનો આ સળંગ ૮૦મો કાર્યક્રમ છે.
આ પ્રસંગે જાણીતા કવિ અને વિવેચક રવીન્દ્ર પારેખ મુખ્ય વકતા તરીકે બેફામના જીવન અને સર્જન વિશે રસપ્રદ વાતો કરશે. રવીન્દ્ર પારેખે સાહિત્ય ક્ષેત્રે ઘણું સારું અને વૈવિધ્યસભર ખેડાણ કર્યુ છે અને સમાજને અર્પણ કર્યુ છે. જેમાં કાવ્યો ઉપરાંત નવલકથા, નવલિકાસંગ્રહ, એકાંકીસંગ્રહ, અનુવાદ, સંપાદન, બાળવાર્તાસંગ્રહ, નાટક, હાસ્યલેખ સંગ્રહ, વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ અખબારોમાં તેમની કોલમ પ્રગટ થતી રહે છે.
આ અવસરે બેફામની ગઝલોનું પઠન પ્રાધ્યાપક અને ડો. કવિત પંડ્યા કરશે, જ્યારે કે પ્રા. હાર્દિક ભટ્ટ અને ગોપી શાહ બેફામનાં ગીતો પ્રસ્તુત કરશે.
કાર્યક્રમનું સ્થળઃ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, (મોટો ઉપાશ્રય), પાંચમે માળે, (લિફ્ટ છે), પારેખ ગલીના નાકા પર, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટ, મુંબઈ.
સમયઃ સાંજે ૫.૩૦ થી ૭.૩૦.
સાહિત્ય પ્રેમીઓ-રસિકજનોને આ કાર્યક્રમ માણવા આવકાર છે. આ માટે કોઈ ફી કે ચાર્જ નથી.