મુંબઈ/પુણે – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આજે દેશભરમાં ભાજપના નેતાઓ, સંસદસભ્યો અને કાર્યકર્તાઓએ સવારે 9.30થી સાંજે 5.30 વાગ્યા સુધી એક દિવસના ઉપવાસ રાખ્યા હતા, પણ પાર્ટીના બે વિધાનસભ્ય ઉપવાસના સમય દરમિયાન સેન્ડવિચ અને બટેટાની ચિપ્સનો નાસ્તો કરતા પકડાઈ જતાં પાર્ટીને નીચાજોણું થયું છે.
હજી ત્રણ દિવસ પહેલાં જ જ્યારે કોંગ્રેસે દલિત સમુદાયનાં લોકો પર થતા અત્યાચાર સામેના વિરોધમાં એક દિવસના ઉપવાસ રાખ્યા હતા ત્યારે દિલ્હીમાં અમુક કોંગ્રેસી નેતાઓને ઉપવાસના સમય પહેલાં એક હોટલમાં નાસ્તો કરતા બતાવતી તસવીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી ત્યારે ભાજપના નેતાઓ, સમર્થકોએ એમની આકરી ટીકા કરી હતી. પરંતુ આજે હવે ભાજપના ઉપવાસ કાર્યક્રમ વખતે તેના બે વિધાનસભ્ય – ભીમરાવ તાપકીર અને સંજય ભેગડે ઉર્ફે બાલા ઉપવાસના સમયની મધ્યમાં એક બેઠક વખતે નાસ્તો કરતા જોવા મળ્યા હતા. એ બેઠક મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ બાપટે પુણે કાઉન્સિલ હોલમાં બોલાવી હતી.
બંને વિધાનસભ્યોને સેન્ડવિચ અને બટેટાની ચિપ્સ ખાતા દર્શાવતી એક વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી. અમુક ટીવી ચેનલોએ એને પ્રસારિત પણ કરી હતી.
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ અશોક ચવ્હાણે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉપવાસનું નાટક બહુ લાંબું નહીં ચાલે, કારણ કે લોકોને સરકારના ખોટા વચનોમાં રસ નથી.
સંસદમાં વિરોધપક્ષોએ બજેટ સત્ર વખતે કાર્યવાહીને 20-20 દિવસો સુધી ખોરવી નાખી એના વિરોધમાં વડા પ્રધાન મોદી અને ભાજપપ્રમુખ અમિત શાહે આજે એક દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી. વડા પ્રધાન મોદીએ ઉપવાસ પર હોવા છતાં એમનું કામકાજ ચાલુ રાખ્યું હતું અને એમણે ચેન્નાઈમાં ડીફેન્સ એક્સ્પો-2018નું ઉદઘાટન કર્યું હતું. અમિત શાહ કર્ણાટકમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે ગયા છે અને એમણે હુબલીમાં ઉપવાસ રાખ્યા હતા. એવી જ રીતે, પાર્ટીના સાંસદો તથા અન્ય નેતાઓ, કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારોમાં ઉપવાસ રાખ્યા હતા.
પક્ષના નેતાઓએ સોશિયલ મિડિયા નેટવર્ક્સ પર કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટન્ટ કરવા નહીં એવી પાર્ટીએ કડક સૂચના આપી હોવા છતાં પુણેમાં ભાજપના વિધાનસભ્યોને નાસ્તો કરતા બતાવતી વિડિયો ક્લિપ ઈન્ટરનેટ પર કેવી રીતે પહોંચી ગઈ એ હજી સ્પષ્ટ થયું નથી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા એમના સાથી પ્રધાનો, નેતાઓ મુંબઈમાં ઉપવાસ પર બેઠા હતા તે વેળાની તસવીરો. મંચ પર ફડણવીસની સાથે અમદાવાદના સંસદસભ્ય અને બોલીવૂડ અભિનેતા પરેશ રાવલ પણ છે.