અમિત શાહ 30મીએ મુંબઈ આવશે, ઉદ્ધવ ઠાકરેને કદાચ મળશે

મુંબઈ – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ 30 ઓક્ટોબરના બુધવારે મુંબઈ આવવાના છે. હાલમાં જ યોજાઈ ગયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે વિધાનસભામાં પક્ષના નેતાની પસંદગી કરવા માટે શાહ પક્ષના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને મળવાના છે. એ મીટિંગ બાદ શાહ મહારાષ્ટ્રમાં ભાજપના ભાગીદાર શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ કદાચ મળશે.

ભાજપના વિધાનપરિષદના સભ્ય ગિરીશ વ્યાસે આ જાણકારી આપી છે.

શાહ અને ઠાકરે વચ્ચેની એ સૂચિત બેઠક જો યોજાશે તો ઘણી મહત્ત્વની બનશે, કારણ કે બંને મિત્ર પક્ષોમાં મુખ્ય પ્રધાન પદ મામલે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેનાએ માગણી કરી છે કે મહારાષ્ટ્રમાં નવા પાંચ વર્ષમાં શાસન કરવા માટે ભાજપ અને શિવસેના વચ્ચે 50-50ની ફોર્મ્યુલાનો અમલ કરવામાં આવે. મતલબ કે બંને પક્ષના નેતા વારાફરતી મુખ્યપ્રધાન પદ સંભાળે. સત્તાની વહેંચણીમાં શિવસેનાને ભાજપ સાથે સરખો ભાગ જોઈએ છે.

ચૂંટણીના પરિણામમાં, ભાજપને 2014ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં માર પડ્યો છે. 288-સીટવાળી વિધાનસભામાં ભાજપને આ વખતે 105 સીટ મળી છે, જે આંકડો 2014ની ચૂંટણીમાં 122 હતો. બીજી બાજુ, શિવસેનાને આ વખતે 56 સીટ મળી છે અને એને ગઈ વેળાની ચૂંટણીની તુલનાએ 7 બેઠકનો માર પડ્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભાજપાએ યાદ રાખવાનું છે કે ગઈ લોકસભા ચૂંટણી પૂર્વે અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન) અને મારી વચ્ચે 50:50ની ફોર્મ્યુલા પર સહમતી થઈ હતી. એને કારણે જ અમે લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓમાં ઓછી સીટ પર ચૂંટણી લડ્યા હતા. હું દર વખતે ભાજપને રાજી કરી ન શકું. અમિત શાહની હાજરીમાં જે ફોર્મ્યુલા નક્કી થઈ હતી એની હું ભાજપને યાદ અપાવવા માગું છું.

શિવસેનાએ તો શનિવારે એવી માગણી કરી હતી કે સત્તાની સમાન સ્તરે વહેંચણીની ફોર્મ્યુલાનો અમલ કરવા વિશે ભાજપ એને લેખિતમાં ખાતરી આપે.

ઠાકરેએ એમની પાર્ટીના વિધાનસભ્યોને કહ્યું હતું કે અન્ય વિકલ્પો વિશે વિચારવા પોતે તૈયાર છે, પરંતુ હાલના તબક્કે તેઓ એ વિશે આગળ વધવા માગતા નથી, કારણ કે ભાજપ અને શિવસેના હિંદુત્વના મામલે સંગઠિત છે.