મુંબઈ – એર ઈન્ડિયા એક્સપ્રેસના ત્રિચીથી દુબઈ જતા વિમાનના પ્રવાસીઓ ગઈ મધરાત બાદ એક મોટી દુર્ઘટનામાંથી આબાદ રીતે બચી ગયાં છે.
તામિલનાડુના તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રાતે 1.30 વાગ્યે ટેક-ઓફ્ફ કરતી વખતે વિમાન એર ટ્રાફિક કન્ટ્રોલની કમ્પાઉન્ડ વોલ (સેફ્ટી વોલ) સાથે અથડાયું હતું. ત્યારબાદ વિમાનને મુંબઈ તરફ વાળી દેવામાં આવ્યું હતું અને મુંબઈ એરપોર્ટ પર એનું તાકીદનું ઉતરાણ કરવામાં આવ્યું હતું.
સદ્દભાગ્યે તમામ 136 પ્રવાસીઓ સુરક્ષિત છે. વિમાને મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે બહાર ઉતર્યાં હતાં.
વિમાનના પેટના ભાગમાં ઘણું નુકસાન થયું હતું. પરંતુ મુંબઈ એરપોર્ટ પર ચકાસણી બાદ એને વિમાન સફર માટે ફિટ ઘોષિત કરવામાં આવ્યું હતું.
એર ઈન્ડિયાએ આ બનાવ અંગે રેગ્યૂલેટર એજન્સી DGCAને જાણ કરી દીધી છે. આ બનાવમાં વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાઈલટ અને સહ-પાઈલટને સેવામાંથી હટાવી લેવામાં આવ્યા છે.