નાના પાટેકરની ધરપકડ કરો: કોંગ્રેસની મહિલા કાર્યકરોની માગણી

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા અને અભિનેતા નાના પાટેકર વચ્ચેના જાતીય સતામણીના વિવાદને હવે રાજકીય રંગ લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી છે કે પાટેકરની ધરપકડ કરવી જોઈએ.

પાટેકરની ધરપકડ કરવાની માગણી સાથે કોંગ્રેસની મહિલા પાંખની કાર્યકર્તાઓ આજે રસ્તા પર ઉતરી હતી. તેઓ જોગેશ્વરી-વેસ્ટ સ્થિત ઓશિવરા વિસ્તારના પોલીસ સ્ટેશને મોરચો લઈને ગઈ હતી.અને પાટેકરની ધરપકડ કરો એવા નારા લગાવ્યા હતા.

પ્રદેશ મુંબઈ કોંગ્રેસ પ્રમુખ અજંતા યાદવની આગેવાની હેઠળ મુંબઈ મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ પહેલાં પોતાની સાથે પાટેકરે કરેલા જાતીય દુર્વ્યવહાર અંગે તનુશ્રીએ અવાજ ઉઠાવ્યો છે અને ગઈ કાલે એણે ઓશિવરા પોલીસ સ્ટેશને જઈને એફઆઈઆર નોંધાવી હતી. 40-પાનાનાં દસ્તાવેજમાં એણે પાટેકર ઉપરાંત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, નિર્માતા સામી સિદ્દિકી અને દિગ્દર્શક રાકેશ સારંગને આરોપી ગણાવ્યા છે.

પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 353 (છેડતી) અને 503 (મહિલાની અસભ્ય રીતે સતામણી) હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે.

2008ની સાલમાં હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના શૂટિંગ વખતે નાના પાટેકરે પોતાની સાથે ગેરવર્તન કર્યું હતું અને પોતે એના વિશે ફરિયાદ કરી તે છતાં ત્યાં હાજર રહેલા અને બનાવ નજરે જોનાર ગણેશ આચાર્ય, સામી સિદ્દિકી અને રાકેશ સારંગે જરાય ધ્યાન આપ્યું નહોતું એવો તનુશ્રીએ તેની ફરિયાદમાં દાવો કર્યો છે. એણે કહ્યું છે કે પોતે ફિલ્મનું શૂટિંગ પડતું મૂકીને રવાના થઈ ત્યારે એની કાર પર ગુંડાઓએ હુમલો કર્યો હતો.

એફઆઈઆરને પગલે પોલીસે તનુશ્રીને રક્ષણ પણ પૂરું પાડ્યું છે. એ જ્યાં રહે છે તે મકાન ખાતે સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.