માતૃભાષાની અસ્મિતાને ઉજ્જવળ કરતી શાનદાર સાંજનું કાંદિવલીમાં આયોજન

મુંબઈઃ સાહિત્ય, કળા, સંસ્કૃતિ અને વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લઈને છેલ્લા નવ વર્ષથી સતત કાર્યક્રમોનું આયોજન કરતી સંસ્થા ‘સંવિત્તિ’એ શનિવાર તા. ૨૯ એપ્રિલની સાંજે ‘ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર’ એવા કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રસૂરિશ્વરજીના માતા ‘પાહિણીદેવી’ના એકપાત્રી અભિનયના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ મારફત આચાર્યશ્રીના જીવન અને સર્જનને રજૂ કરવાનો પ્રયત્ન કરાશે.

માતૃભાષા ગુજરાતીના પરોઢ સમાન આચાર્ય હેમચન્દ્રસૂરિશ્વરજી રચિત વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયમાં જોવા મળે છે. આચાર્યશ્રી સંસ્કૃતના મહાવિદ્વાન તો હતા જ, પરંતુ ઉચ્ચ કોટિના જૈન સાધુ પણ હતા. એમણે ઘણા ગ્રંથોની રચના કરી છે. એવું મનાય છે કે ૮૪ વર્ષના જીવનકાળ દરમિયાન એમણે સાડા ત્રણ કરોડ શ્લોકો રચ્યા હતા. સોલંકીયુગના બે મહાપરાક્રમી રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળને એમણે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. એમની વાણીએ ગુજરાતમાં સંસ્કારની સરવાણી વહાવી હતી.

અર્ચના જ્હોનિ શાહ એમનાં અભિનયથી પાહિણીદેવીના ભાવવિશ્વને પ્રગટ કરશે. આ ઉપરાંત ‘શિવરંજની’ના પ્રણેતા જ્હૉનિ શાહ આ જ પરંપરાના ભજનો વિમલ શાહના તબલાના તાલે રજૂ કરશે. રસિકજનોને આ કાર્યક્રમ માટે હાર્દિક આમંત્રણ છે. એ માટે કોઈ ચાર્જ નથી.

કાર્યક્રમનું સ્થળ: કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કુલ, ત્રીજે માળેના સભાગૃહમાં, ઈરાની વાડી-નંબર-૪, એશિયન બેકરીની સામેની ગલીના બીજા છેડે, કાંદિવલી-વેસ્ટ.

વાર અને સમયઃ શનિવાર, તા.૨૯ એપ્રિલ, સાંજે ૫.૩૦ થી ૭.૩૦