જ્યાં જ્યાં વસે ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”
મુંબઈઃ માતા ગુર્જરીનાં ખોળે ખૂંદનાર ‘ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીટ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં સાહિત્યકાર શ્રી નર્મદની જન્મજયંતી એટલે “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી ‘ગુર્જરી ભ્રમણ’ શીર્ષક હેઠળ આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નાટક તેમજ ગુજરાતી ધારાવાહિકમાં અભિનેતા તરીકે સુપ્રસિદ્ધ થયેલા દેવાંગ કંકાલને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના સહાયક પ્રાધ્યાપક ડૉ. કવિત પંડ્યાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, ગુજરાતી ભાષા સાથે વર્ષોથી કાર્યરત પ્રગતિ મિત્ર મંડળ અને સાંઈ સાર્વજનિક સંસ્થાના અનંતભાઈ મહેતા, ગુજરાતી ભાષા ભવનના સંયોજક કિર્તીભાઈ, બાલાશ્રમના સંચાલક રાજેશ ભાઈ, કે.ઈ.એસ.નાં CEO સંગીતા શ્રીવાસ્તવ તેમજ ગુજરાતી પ્રાથમિક વિભાગનાં પ્રાચાર્યા કવિતાબહેન, અંગ્રેજી માધ્યમનાં પ્રાચાર્યા પ્રેરણાબહેન, પૂર્વ પ્રાથમિક વિભાગનાં પ્રાચાર્યા મનીષાબહેન, માધ્યમિક શાળાના ઉપાચાર્યા ક્ષમાબહેન તથા સર્વ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ કાર્યકમમાં ઉપસ્થિતિ આપી હતી.
શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને સમગ્ર હૉલને ગુજરાતી લોકકળા, સાહિત્યકારોની છબીઓ દ્વારા સુશોભિત કર્યો હતો.
માનનીય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય, વિદ્યાર્થી દ્વારા શ્લોક, શિક્ષકો દ્વારા ઈશ્વર સ્તુતિ અને સ્વાગતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાંઓ દ્વારા ગ્રામ્ય જીવનને જીવંત કરતું અભિનય ગીત, બાળ નાટક રજૂ કરવામાં આવ્યું. અંગ્રેજી માધ્યમના ગુજરાતી બાળકોએ પણ અભિનય ગીત પ્રસ્તુત કર્યું. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાના ઉદ્દભવ પાછળ સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રાચાર્યની કથા, સાહિત્યકાર નર્મદના સર્જન કર્મની વાત તેમજ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા હતા ડુંગરા… ‘ કાવ્યને કી-બોર્ડની ધૂન પર વગાડી બધાને રસ-તરબોળ કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ‘માતૃભાષા બચાઓ’ શેરી નાટક પ્રસ્તુત કરી માતૃભાષામાં શિક્ષણનું મહત્ત્વ દર્શાવ્યું હતું. ગુજરાતની લોક સંસ્કૃતિને ટિપ્પણી નૃત્ય, ગરબા, રાસડા, દંડદાવ, અભિનય ગીત દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ દેવાંગ ભાઈએ પોતાના વક્તવ્યમાં શાળાની ભૂતકાલીન સ્મૃતિઓ વાગોળી વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો હતો કે, “હું પણ એક વિદ્યાર્થીમાંથી મુખ્ય અતિથિ બન્યો છું, એમ તમે પણ ખૂબ પ્રગતિ કરી અહીં સુધીની યાત્રા ખેડજો.”
ડૉ. કવિત પંડ્યાએ પોતાના વક્તવ્યમાં મા, માતૃભાષા અને માતૃભૂમિની સતત સેવા કરવાનો સંદેશો આપ્યો હતો. તેમજ માતૃભાષાનું અસ્તિત્વ કદી પણ લુપ્ત નહીં થાય એ શ્રદ્ધા સાથે નિષ્ઠાવાન શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. નર્મદની ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધને યાદ કરી આજે પણ મા, માતૃભૂમિ અને માતૃભાષાના ઉત્કર્ષ માટે સંગઠનની આવશ્યકતા છે અને સમય સાથે આપણે સહુએ તાલ મેળવવો પડશે તો જ તે ટકી શકશે એવો તેમનો દૃઢ મત હતો. બાળકોને મજા પડે એ માટે ‘મને ગર્વ છે હું ગુજરાતી છું’ – સેલ્ફી પોઈન્ટ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ બનાવ્યું હતું. નાના મોટા સહુએ પોતાની સેલ્ફી લઈને ગર્વ અનુભવ્યો હતો. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવી. આમ, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ સહુ માટે અનેક સ્મૃતિઓ અને સુખદ સંભારણા સાથે એક તહેવાર સમાન બની ગયો. ખરેખર શાળા બદલાઈ રહી છે, ગુજરાતી માધ્યમના બાળકો સંસ્કાર, સંસ્કૃતિના સંવર્ધનમાં કે અન્ય કોઈ ક્ષેત્રમાં પાછળ નથી એની અનુભૂતિ થયા વગર રહી નહીં.