મુંબઈઃ શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમને ફરીવાર ધમકીભર્યો ફોન આવ્યો છે. આ વખતે ફોન કરનાર વ્યક્તિએ માહિત આપી કે બે પાકિસ્તાની નાગરિક આરડીએક્સ ભરેલું એક ટેન્કર મુંબઈથી ગોવા લઈ જવાના છે. ફોન કરનારે પોતાની ઓળખ પાંડે તરીકે આપી હતી. આ ફોન આવ્યા બાદ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું અને તપાસ શરૂ કરી દીધી છે. એએનઆઈ સમાચાર સંસ્થાએ મુંબઈ પોલીસના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે.
છેલ્લા દસ દિવસોમાં પોલીસને આ ત્રીજો નનામો ધમકીભર્યો ફોન આવ્યો છે. ત્રણ દિવસ પહેલા આવેલી ધમકીમાં એમ જણાવવામાં આવ્યું હતું કે આ વખતે મુંબઈમાં 26/11 જેવો આતંકવાદી હુમલો કરવામાં આવનાર છે. અમુક ઠેકાણે કારતૂસો અને એકે-47 રાઈફલો પહોંચાડવામાં આવી છે. ધમકીમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર ટાર્ગેટ પર છે. મુંબઈ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધીને તપાસ આદરી છે અને અજ્ઞાત વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.