મુંબઈ: વિલે પાર્લેમાં નાગર ભગિની મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની સ્થાપનાના સુવર્ણજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિવિધ રંગારંગ કાર્યક્રમ “સુરોક્તિ” યોજવામાં આવ્યો હતો. જેમાં મંડળની બહેનોએ પ્રસ્તુતી કરી હતી. આ કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને કલાનો ત્રિવેણીસંગમ જોવા મળ્યો હતો.
કાર્યક્રમની શરુઆતમાં ન્રૃત્યરુપે ઈશ્વરની આરાધના કરવામાં આવી. ત્યારબાદ મંડળની બહેનો દ્વારા ગીતોની સુરિલી પ્રસ્તુતિ થઈ. ગીતોમાં ગુજરાતી સુગમ સંગીત,ફિલ્મી ગીતો તથા શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો રજુ કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમનું આગવું પાસું ” એકોક્તિ “નો નવતર પ્રયોગ હતો જેને પ્રેક્ષકોની ખૂબ સરાહના મળી. છ બહેનોએ સ્ટેજ પર વિવિધ પાત્રો ભજવ્યાં હતા, જેમાં સામાજિક અને ઐતિહાસિક પાત્રો જોવા મળ્યા હતા.
આ કલાકારો વ્યવસાયિક તાલીમ પામેલાં નહોતાં પરંતુ ગૃહિણીઓ હતી, જેમને મંડળના વરિષ્ઠ સભ્ય અને પ્રસિદ્ધ કુશળ અભિનેત્રી મીનળબહેન પટેલ દ્વારા ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક પાત્રને સભાખંડે તાળીઓના ગડગડાટથી ગજવી દીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.રાજશ્રી ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મંડળની બહેનોના સંયુક્ત સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે આ વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો રજુ કરવાનું આ મંડળનું અભિયાન છે જે સહુ બહેનોના સહિયારા ઉત્સાહ, જહેમત અને પ્રયત્નોથી જરૂર સાકાર થશે.