મુંબઈ: રમેશ પારેખની જન્મ જયંતી નિમિત્તે અંધેરી-મુંબઈના ભવન્સ કેમ્પસ ખાતે ‘સ્મરણ મંજૂષા’ કાર્યક્રમ શ્રેણીના બીજા મણકા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ શાંભવી આર્ટ્સ-નેહા યાજ્ઞિકની પરિકલ્પના અને પ્રસ્તુતિ, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને ફ્લુટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો. જેમાં’છ અક્ષરનું નામ’ના કવિ ર.પા. એટલે કે રમેશ પારેખ વિશે ખાસ રજૂઆત થઈ હતી.
સ્મરણ મંજૂષા શ્રેણીનો પહેલો કાર્યક્રમ સ્વરકાર ગાયક પરેશ ભટ્ટનાં સ્વરાંકનોનો કાર્યક્રમ હતો. જેનું પણ મુંબઈમાં સૌ પ્રથમવાર આયોજન શાંભવી આર્ટ્સ દ્વારા જ થયું હતું. સ્મરણ મંજૂષા શ્રેણી હેઠળ શાંભવી આર્ટ્સ -નેહા યાજ્ઞિક અને સ્વરકાર ગાયક સુરેશ જોશીએ અલ્પ પ્રસિદ્ધ અથવા અતિ પ્રસિદ્ધ કવિ અથવા સ્વરકારની ઓછી જાણીતી અથવા તો નહીં સાંભળેલી ઉત્તમ રચનાઓને ભાવકો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે.
રમેશ પારેખ સ્મરણ મંજૂષામાં પ્રસ્તુત તમામ રચનાઓનાં સ્વરાંકન સુરેશ જોશીએ કર્યા હતાં. તેમજ અત્યંત ભાવવાહી રીતે ઉપજ્ઞા પંડ્યાએ પણ પ્રસ્તુતી કરી હતી.દર્શના જોશી તથા નેહા યાજ્ઞિક દ્વારા ર.પા.ની કવિતાઓનું પઠન કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. જ્યારે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કલાકાર દિલીપ રાવલે કર્યું હતું.