મુંબઈ: કાંદિવલીમાં બાળકો માટે ભગવદ્ ગીતાના વર્કશોપનું આયોજન

મુંબઈ: કાંદિવલી એજયુકેશન સોસાઈટી (કેઈએસ) ના સહયોગમાં મીટ ઈન્ડિયા, ગુજરાતી ભાષા ભવન હેઠળનું પરિવર્તન પુસ્તકાલય અને મસ્તી કી પાઠશાળાના સંયુકત ઉપક્રમે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવદ ગીતાના છ દિવસીય વર્કશોપમાં 8 થી 14 વર્ષના બાળકોને જીવનના શીખવવામાં આવ્યા હતાં.

નાની ઉમંરથી જ બાળકોને ભગવદ ગીતા આધારિત જીવન ઘડતરના પાઠ શીખવવાના ઉદ્દેશ સાથે ગત સપ્તાહમાં કાંદિવલી ખાતે કેઇએસ ઈન્ટરનેશનલ સ્કુલમાં લેસન્સ ફ્રોમ ધી ભગવદ ગીતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેઈએસની શ્રી ટી.પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સના પ્રિન્સિપાલ તેમજ કેઈએસનાં એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ એડવાઈઝર ડૉ. સંગીતા શ્રીવાસ્તવે બાળકોને સમજાય એવી સરળ શૈલીમાં એક ખાસ કોર્સ ડિઝાઈન કર્યો છે. આ કાર્યશાળામાં 45 બાળકોએ ભાગ લીધો હતો.

આ વર્કશોપમાં ગીતાના મહત્વના સિધ્ધાંતો જેવા કે – હંમેશા ખુશ કેવી રીતે રહી શકાય, ફરજ અને જવાબદારી વચ્ચે શું ફરક છે?, મન મિત્ર અથવા શત્રુ બંને બની શકે છે, કર્મના ફળ સાથે આસકિત કે મોહ ન રાખવા, ઈચ્છાઓ, લોભ અને ગુસ્સો એ ત્રણે નર્કના દરવાજા છે, આપણી અંદર જ દૈવિક તેમ જ આસુરિક તત્વ રહેલા છે, દરેક પ્રત્યે સમદ્રષ્ટિ રાખવી, સત્વ-રજસ-તમસ ગુણો, સાત્વિક ખોરાકનું મહત્વ, ભગવાન આપણા હ્રદયમાં વસે છે, જેવા ભગવદ ગીતાનાં મહત્વના સંદેશાઓને વિવિધ દાખલા-વાર્તા-પ્રસંગો દ્રારા રસપ્રદ બનાવીને બાળકોને ગીતાજીનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું.

આ વર્કશોપના છેલ્લે દિવસે તમામ સહભાગી બાળકોએ પોતે આ કાર્યશાળામાં ગીતાજી વિષે પોતે શું શીખ્યા એ તેમ જ પોતાને ગમતા આર્ટવર્ક, ગદ્ય, પદ્ય, ડાન્સ દ્વારા તેમના વાલીઓ સમક્ષ પ્રસ્તુતિ કરી હતી. દરેક બાળકને આયોજકો દ્વારા પાર્ટિસીપેશન સર્ટિફિકેટ, એક ડાયરી, બુકમાર્ક આપવામાં આવ્યા હતા. ‘સંયુક્ત યોગ’ ના સ્થાપક અને ગીતા શીખવતા શિક્ષક રૂચિ ગુલાટી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે બાળકો સાથે આ કાર્યશાળામાં શીખેલા બોધપાઠ વિષે આગવી શૈલીમાં ચર્ચા અને સવાલ-જવાબ કર્યા હતા. તેમણે દરેક બાળકને ગીતાજીનાં શ્લોકોની અર્થ સાથેની એક-એક પ્રત ભેટ આપી હતી. કેઈએસનાં પ્રેસિડન્ટ મહેશ શાહે પણ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી.

મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનના સ્વયં સેવકો પૂર્ણા મોદીએ કાર્યક્રમના આયોજનમાં સ્વાગતથી લઈ વિવિધ કામગીરી મારફત મહત્વની ભૂમિકા ભજવી હતી, આ ઉપરાંત મીટ ઈન્ડિયા-પરિવર્તન પુસ્તકાલય-મસ્તી કી પાઠશાળાના સભ્યો ધવલ શાહ, જયના શર્મા, દિશા મહેતા, સંજના રાઠોડ, જશ રાવલ અને ચિરાગ રાઠોડે પણ કાર્યશાળામાં વોલ્યુન્ટિયર્સની ભૂમિકા ભજવી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

ડૉ. સંગીતા શ્રીવાસ્તવ છેલ્લા 35 વર્ષથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે ત્રણ વર્ષ ગીતાનો અભ્યાસ કર્યા બાદ બાળકો માટે ગીતાની કાર્યશાળાઓ, યુવાનો અને પ્રોફેશનલ્સ માટે અસંખ્ય કોર્સિસ તૈયાર કર્યા છે. આમાં ચાર થી આઠ કલાકના પ્રોગ્રામ આઠ થી પંદર વર્ષના બાળકો માટે, સોળ થી ઓગણીસ વર્ષના ટીનેજર્સ માટે, વીસ થી ત્રીસ વર્ષના યુવાનો-પ્રોફેશનલ્સ માટે તેમ જ જેને પણ ગીતા સમજવામાં રુચિ હોય તેવા લોકો માટે વિવિધ કોર્સિસનો સમાવેશ થાય છે. આ પૂર્વે તેમણે આવા અનેક વધુ વર્કશોપ (ઓનલાઈન અને ઓફલાઈન) યોજયા છે.