મુંબઈ: કાંદિવલી ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કેઈએસ ગુજરાતી ભાષાભવનના સંયુક્ત ઉપક્રમે ‘મુંબઈ સાહિત્યોત્સવ’ ઉજવાયો હતો. કાંદિવલીની કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના હૉલમાં સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ સત્રના આરંભમાં કવિ મુકેશ જોશીએ ઉમળકાભેર સાહિત્ય રસિકોને આવકાર આપ્યો હતો. સંજય પંડ્યાએ સર્વોત્તમ સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના કેટલાંક ઉત્તમ સ્વરાંકન યાદ કરી અંજલિ આપી હતી અને જણાવ્યું કે પુરુષોત્તમભાઈએ 30 નાટકો અને 20 ફિલ્મમાં સંગીત આપ્યું હતું. ગાયક સુરેશ જોશીએ પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સ્વરાંકનવાળી નરસિંહ મહેતાની રચનાની રજૂઆત કરી હતી. જ્હોની શાહે નિરંજન ભગતની એક રચના રજૂ કરી અને બંનેએ સાથે મળીને કલાપીની ‘ગ્રામ્યમાતા’નું અદભૂત ગાન કર્યુ હતું.
સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કવિ, લેખક ભાગ્યેશ જહાએ ગુજરાતી ભાષા વિશે વાત કરી હતી. વરિષ્ઠ સર્જક તથા કેઈએસ ગુજરાતી ભાષાભવનના અધ્યક્ષ દિનકર જોશીએ શબ્દ અને સાહિત્યના આ ઉત્સવની સરાહના કરી હતી. મુંબઈના વરિષ્ઠ લેખક દીપકભાઈએ દલપતરામની એક કાવ્યપંક્તિથી શરૂઆત કરી હતી. મીતા ગોર મેવાડાએ ઉમાશંકર જોશી લિખિત વાર્તા ‘બારણે ટકોરા’ ઉપરથી સતિષ વ્યાસ લિખિત એકોક્તિ રજૂ કરી હતી. એકોક્તિ લેખિકા કલાકાર કિરણ બૂચે અને અદાકારા સેજલ પોન્દાએ એકોક્તિ રજૂ કરી હતી. આ દરમિયાન ડૉ.હિતેશ પંડ્યાએ સંચાલન સંભાળ્યુ હતું. પ્રથમ નિબંધનું વાચિકમ તખ્તાના વરિષ્ઠ કલાકાર રાજુલ દીવાને કર્યું.જ્યારે બીજો નિબંધ કવિ તથા કલાકાર દિલીપ રાવલે પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યો હતો.અભય દોશીએ અભ્યાસી વક્તવ્ય રજૂ કર્યુ હતું. નાટ્ય કલાકાર પ્રીતા પંડ્યાએ પણ ખાસ રજૂઆત કરી હતી.
આ ઉપરાંત કલાકાર પ્રતાપ સચદેવે નિબંધ ‘મોરું ‘ વાંચ્યો હતો. ડૉ. દર્શના ઓઝાએ વક્તવ્ય આપ્યું હતું તો ગુજરાત સાહિત્ય અકાદમીના જયેન્દ્રસિંહ જાદવે પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. દિગ્દર્શક તથા કલાકાર એવામેહુલ બૂચે ટૂંકી વાર્તાનું વાચિકમ કર્યું અને એ સત્રમાં સમીરા પત્રાવાલાનું સંચાલન હતું. ડૉ. દશરથભાઈ પટેલ ટૂંકી વાર્તા વિશે અભ્યાસી વક્તવ્ય આપ્યું. ટૂંકી વાર્તા બાદ કથાકથનમાં ભામિની ઓઝા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘ભાઈ ‘ રજૂ કરી હતી. બીજી વાર્તા પ્રતાપ સચદેવે ધૂમકેતુ લિખિત’પોસ્ટ ઓફિસ’ સંભળાવી હતી.
ચોથા સત્રનું સંચાલન ડૉ.ખેવના દેસાઈએ કર્યુ હતું. કાવ્યોત્સવમાં ગઝલકાર રાજેશ હિંગુ તથા સુરેશ ઝવેરી છવાઈ ગયા. વરિષ્ઠ કવયિત્રી સંસ્કૃતિરાણી દેસાઈ, કવિ ભાગ્યેશ જહા તથા કવિ હિતેન આનંદપરાની રચનાઓ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ગાયક કલાકાર નિશા કાપડિયા અને આલાપ દેસાઈએ પોતાને ગમતાં ગીતો રજૂ કર્યાં.મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સ્નેહલ મુઝુમદારે દોઢ દિવસના સાહિત્યના ઉત્સવ માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો આભાર માન્યો અને એ સંદર્ભે શાર્દુલવિક્રિડિત છંદમાં કાવ્ય રજૂ કર્યુ હતું.
કાર્યક્રમનું સમાપન ભાગ્યેશભાઈ રચિત અકાદમીના રેકોર્ડ થયેલા ગીતથી કરવામાં આવ્યું હતું. દોઢ દિવસના ઉત્સવમાં અભ્યાસી વક્તવ્ય થયાં અને ઉત્તમ રજૂઆત દ્વારા પણ વાર્તા, નિબંધ અને કાવ્યોને શ્રોતાઓના હૃદય સુધી પહોચાડ્યાં.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, આપણું આંગણું બ્લોગ, કવિશા હોલિડેઝ, ઝરૂખો, લેખિની, પરિચય ટ્રસ્ટ, ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશન, પ્રગતિ મિત્ર મંડળ, કલા ગુર્જરી, સાઈ સાર્વજનિક ટ્રસ્ટ જેવી કેટલીક સંસ્થાઓનો આ આયોજનમાં સહયોગ હતો પણ શિરમોર સમો સથવારો કેઈએસ ગુજરાતી ભાષાભવન તથા કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના વ્યવસ્થાપકોનો હતો જેમણે બધી વ્યવસ્થા માટે પોતાની ટીમ ખડે પગે રાખી હતી. કવિ ભાગ્યેશ જહા તથા કવિ હિતેન આનંદપરાની પરિકલ્પનાવાળા આ કાર્યક્રમને ઘણા બધાંનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ સાંપડ્યો હતો.