મુંબઈ: 1911માં જન્મેલા કવિ ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાના મોટા ગજાના સર્જક! ગાંધીયુગના આ સર્જકે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, નવલકથા, અનુવાદ, સંપાદન એમ વિવિધ ક્ષેત્રે દાયકાઓ સુધી યાદ રહે એવું યોગદાન આપ્યું છે. 21 જૂલાઈના રોજ કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતિ છે.
ઉમાશંકર જોશીના જન્મને 113 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. જેની ઉજવણીના ભાગરૂપે 21 જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ બારિશી નેટવર્કના સહયોગથી “ઉમાશંકર જોશી સ્મૃતિ વંદના” નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ આ કાર્યક્રમમાં ટૂંકી વાર્તાનું વાચિકમ કરશે. જાણીતા સંગીતકાર તથા ગાયક સુરેશ જોષી તથા શ્રદ્ધા શ્રીધરાણી ઉમાશંકર જોશીનાં ગીતોનું ગાન કરશે. કવિ વાર્તાકાર સતીશ વ્યાસ કાવ્યો રજૂ કરશે. કવયિત્રી મીતા ગોર મેવાડા ઉમાશંકર જોશીની વાર્તા આધારિત સતીશ વ્યાસ લિખિત એકોક્તિ રજૂ કરશે. વિદ્યાવિહારની કે.જે.સોમૈયા કૉલેજની વિદ્યાર્થીનીઓ ભારતી હાથિયાણી, ભક્તિ લોડાયા, ત્રિશા નંદા,વૃત્તિકા ઝાલા અને પંક્તિ જોશી એક એકાંકીની ભજવણી કરશે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.પ્રો.હિતેશ પંડ્યા કરશે.
આ કાર્યક્રમ આઈયા બૅન્કવેટ હૉલ, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, મુલુંડ વેસ્ટ ખાતે યોજાશે. કાર્યક્રમનું સંકલન અકાદમી વતી કવિ સંજય પંડ્યાએ કર્યું છે અને પરિકલ્પના અકાદમીના સભ્ય નિરંજન પંડ્યાની છે. આયોજન માટે સહયોગ ગિરીશ સોમનાથ ભટ્ટ તથા દિનેશ ચુનીલાલ ત્રિવેદીએ આપ્યો છે તથા સહયોગી સંસ્થા વતી રાકેશ જોષી અને લાલજી સર કાર્યભાર સંભાળી રહ્યા છે. સાહિત્યના સહુ ચાહકો આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.