મુંબઈ: દિગ્ગજ ખેલાડી અને બેટિંગ કોચ કાયરન પોલાર્ડને મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ટીમના મુખ્ય કોચ (Head Coach) તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ પોલાર્ડ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનો ૧૬ વર્ષ જૂનો સંબંધ હવે એક નવા તબક્કામાં પ્રવેશ્યો છે. પોલાર્ડ માત્ર ૨૨ વર્ષની ઉંમરે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયા હતા. એક ખેલાડી તરીકે ટીમને શ્રેષ્ઠ ક્ષણો આપ્યા બાદ તેમણે બેટિંગ કોચ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
આ નિયુક્તિ પર પ્રતિક્રિયા આપતા નીતા એમ. અંબાણી (કો-ઓનર, મુંબઈ ઈન્ડિયન્સ) જણાવ્યું કે, “પોલાર્ડ છેલ્લા ૧૬ વર્ષથી અમારા પરિવારનો અભિન્ન હિસ્સો છે. એક ખેલાડી અને કોચ તરીકે તેમણે પોતાના અનુભવ અને રમત પ્રત્યેના સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમને વિશ્વાસ છે કે તેઓ તે જ કટિબદ્ધતા અને નિષ્ઠા સાથે ટીમનું નેતૃત્વ કરશે.”
કાયરન પોલાર્ડ જણાવ્યું કે, “મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ બનવું એ મારા માટે સન્માનની વાત છે. MI મારી કારકિર્દી અને જીવનનો મોટો હિસ્સો રહ્યો છે. વિશ્વાસ મૂકવા બદલ હું નીતા અંબાણી, આકાશ અંબાણી અને સમગ્ર MI પરિવારનો આભાર માનું છું. હું ટીમના વારસાને આગળ ધપાવવા અને ચાહકોને (પલ્ટન) ઉજવણી કરવાની વધુ તકો આપવા આતુર છું.”
નોંધનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકી ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ ગ્લોબલ T20 લીગમાં મેન અને વુમન ક્રિકેટ મળીને કુલ ૧૩ ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યા છે.






