મુંબઈ: અજય દેવગન સ્ટારર બૉલિવૂડ ફિલ્મ ‘મૈદાન’ખૂબ ચર્ચામાં છે. ભારતના ફુટબૉલ કૉચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત ફિલ્મની વાર્તા દર્શકોને પસંદ આવી રહી છે. આ સાથે જ ચાહકો ફિલ્મના કલાકારોના અભિનયની પણ પ્રશંસા કરી રહ્યાં છે. જોકે,આપણે આ ફિલ્મ વિશે નહીં પણ ફિલ્મમાં અજય દેવગન સાથે કામ કરનાર મુંબઈના ગુજરાતી એક્ટર રિષભ જોશી અંગે વાત કરીશું. બોરિવલીમાં રહેતા મુળ ગુજરાતી રિષભ જોશી એક અભિનેતા છે, જે ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે અને ગુજરાતી, હિન્દી ફિલ્મ તથા વેબ સીરિઝમાં પણ કામ કરી એક્ટર તરીકે આગવી ઓખળ ઉભી કરી રહ્યા છે.
’20 વર્ષનો હતો ત્યારે આ ફિલ્મનું શૂટિંગ કર્યુ હતું. આજથી પાંચ વર્ષ પહેલા મૈદાન ફિલ્મના શૂટિંગમાં મેં મારા ગોલ્ડન દિવસો પસાર કર્યા. ફિલ્મ રિલીઝ થયા બાદ પરિણામ પણ એવું જ આવ્યું છે. ફિલ્મમાં વાર્તાથી માંડીને એ.આર રહેમાનનું મ્યુઝિક, અમિત શર્માનું ડિરેક્શન અને અજય દેવગન સહિત બધા જ કલાકારોની દમદાર એક્ટિંગ બધું જ અદ્ભૂત છે.”આ શબ્દો છે રિષભ જોશીના.
કેવી રીતે મળી ફિલ્મ?
ચિત્રલેખા સાથે વાત કરતા અભિનેતા રિષભ જોશી જણાવે છે કે “મને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે નાટકથી મેં મારા અભિનય કરિયરની શરૂઆત કરી હતી. કોલેજ દરમિયાનની મારી ફ્રેન્ડ,જે કાસ્ટિંગ કંપનીમાં કામ કરતી હતી તેણીએ મને કહ્યું કે અમે એક ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યાં છીએ. તારું ઓડિશન મોકલ. મેં ફૂટબોલ રમતો એક વીડિયો બનાવી તે કાસ્ટિંગ કંપનીમાં મોકલી આપ્યો. થોડા જ દિવસોમાં તેમણે મને ઓડિશન માટે બોલાવ્યો અને મને ખબર પડી કે અજય દેવગન સ્ટારર ફિલ્મ છે,જે ફૂટબોલ કૉચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. હું ખુબ જ નર્વસ હતો. પરંતુ તેમ છતાં ક્યારેક તો આ સ્થિતિનો સામનો કરવો જ પડશે એવું વિચારીને હિંમત ભેગી કરી અને ઓડિશન આપ્યું. આ ઓડિશન ફૂટબોલ કોચના પુત્રના પાત્ર માટે હતું. સમય વીત્યો પણ કઈં જ જવાબ ન આવ્યો. પરંતુ મારી આશા જીવંત હતી કે કંઈક થશે. આખરે બન્યું એવું કે મને જાણ થઈ કે તે પાત્ર માટે મારું સિલેક્શન થઈ ગયું છે. આ સમાચાર બાદ મારી ખુશીનો પાર જ નહોતો.”
અજય દેવગન સાથે કામ કરવાનો અનુભવ
વધુમાં રિષભ જણાવે છે કે સૌ પહેલા તો અમને બધાને ફૂટબોલની ટ્રેનિંગ આપવામાં આવી. બાદમાં લખનઉ સહિત વિવિધ શહેરોમાં ફિલ્મનું શૂટિંગ અને ટ્રનિંગ બંને સાથે ચાલતું ગયું. ફિલ્મમાં અજય દેવગન એસ.એ. રહીમના પાત્રમાં અને હું તેમના પુત્ર એસ.એ હકીમના પાત્રમાં. મારો પહેલો જ સીન અજય દેવગન સાથે હતો. આટલા મોટા દિગ્ગજ અભિનેતા સાથે પહેલી વાર કામ કરવાનો ડર હતો. પરંતુ તે અજય દેવગન નહીં મારા પિતા એસ. એ. રહીમ છે એવું વિચારીને આખો સીન તેમની સાથે કર્યો હતો. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખુબ જ અદ્ભૂત હતો. તેમણે મને ખુબ જ કન્ફર્ટેબલ ફીલ કરાવ્યું. અમારા બંને વચ્ચે ભાવુક સીન હતો.આખો સીન કરવામાં તમનો ખુબ જ સારો સપોર્ટ રહ્યો. અજય દેવગનની એક વાત મને બહુ જ ગમી કે તે પોતાના કો-એક્ટરને સીન દરમિયાન સ્પેસ અને સહકાર આપે છે.
યુવાઓ માટે પ્રેરણા સમાન અભિનેતા રિષભ જોશી બાળપણથી જ અભિનયક્ષેત્ર સાથે જોડાયેલા છે. તે મુંબઈમાં નાટકોમાં સક્રિય છે. તેમજ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લો’, ‘બેસ્ટ ઓફ લક લાલુ’માં તેમણે કામ કર્યુ છે. સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ છિછોરેમાં પણ રિષભે અભિનય કર્યો છે. આ સિવાય વેબ સિરીઝ ‘અવરોધ’માં પણ ભૂમિકા નિભાવી છે અને’બિગ ગર્લ ડોન્ટ ક્રાય’માં કામ કર્યુ છે. ઉપરાંત નેટફ્લિક્સ ફિલ્મ ફ્રાઈડે નાઈટ પ્લાનમાં બાબિલ સાથે સ્ક્રીન શેર કરી છે.
(નિરાલી કાલાણી)