નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોએ કોલ્ડપ્લે કોન્સર્ટ માણ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વવિખ્યાત કોલ્ડપ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઇટ, સાઉન્ડ અને મ્યુઝિક સાથે વિશ્વવિખ્યાત કોલ્ડપ્લેના અદ્ભૂત પરફોર્મન્સનો લાઈવ શો માણવાનો અવિસ્મરણીય લહાવો લોકોને મળ્યો હતો. લોકો છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વિશ્વ વિખ્યાત રોક બેન્ડ કોલ્ડપ્લેનો અમદાવાદમાં પ્રથમ કોન્સર્ટ યોજાયો હતો. જેમાં લોકોની અપેક્ષા અનુસાર જ અત્યંત ભવ્ય, સંગીતપ્રેમીઓને એક નવા જ વિશ્વની સફરે લઇ જનારો બન્યો હતો. દેશ-વિદેશથી આવેલા 1 લાખથી વધુ પ્રેક્ષકોએ કોન્સર્ટને માણ્યો હતો.

મહત્ત્વનું છે કે, આજે કોલ્ડપ્લેનો બીજો કોન્સર્ટ પણ 1 લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં ભવ્યાતિભવ્ય બની રહેશે. સ્ટેડિયમની બધી જ લાઈટ બંધ કર્યા બાદ પ્રેક્ષકોને આપવામાં આવેલા ઈન્ફ્રારેડ કનેક્ટેડ રિસ્ટ બેન્ડથી સ્ટેડિયમમાં વિવિધ રંગની ચાદર જાણે ફેલાઈ ગઈ હતી.

ક્રિસ માર્ટિન આવતાની સાથે મ્યુઝિક ફોર ધ સ્ફિયર્સમાંથી પોપ્યુલર સોંગ સ્ટેડિયમમાં પ્રેક્ષકોના રીસ્ટ બેન્ડની લાઈટિંગના સથવારે રજૂ કરીને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે શરૂઆત કરી હતી જેમાં લીડ ગિટાર, બેઝ ગિટાર અને મેટલ ગિટારની સાથે ડ્રમર એક જોડતા હતા. ક્રિસ માર્ટિન એક પછી એક આલ્બમ પ્રસિદ્ધ ગીતોની પ્રસ્તુતિ કરી હતી અને છેક સુધી ગ્રાઉન્ડની અંદર અને સ્ટેડિયમમાં પ્રેક્ષકો બેઠા જ નહોતા અને ઊભા ઊભા સંગીતના તાલે ક્રિસની સાથે ઝૂમ્યા હતા. તેણે ગુજરાતીમાં કેમ છો, તમે બધા મઝામાં છો? ધન્યવાદ મારા દોસ્તો. અહીં આવીને બહુ મઝા આવી છે. કહેતા જ આખું સ્ટેડિયમ મઝામાં પોકારી ઉઠ્યું હતું. આ ઉપરાંત આપકો દેખ કે ખુશી હુઈ, અમદાવાદ ઈઝ બેસ્ટ સિટી કહેતા જ લોકો ઝૂમી ઉઠ્યા હતા.