ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત પછી તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આજકાલમાં ભાજપ દ્વારા નામની જાહેરાત કરવામાં આવી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટોચના નેતા આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી છે. બીજેપીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સામેલ છે.
બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન
ભારતીય જનતા પાર્ટી સતત સાતમી વખત જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ આ બેઠક દરમિયાન તમામ ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપે તેવી શક્યતા છે અને આગામી થોડા દિવસોમાં યાદી બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે પાર્ટી સીટ વહેંચણીના મામલે નવો રેકોર્ડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સંગઠનમાં નવી ઉર્જા ફેલાવવા માંગે છે. આ જોતાં અનેક વરિષ્ઠ નેતાઓને યાદીમાંથી બહાર રાખવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ભાજપ યુવા ચહેરાને ઉતારી શકે છે મેદાનમાં
સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે પાર્ટીને સૂચનો મળ્યા છે કે તેણે નવા અને યુવા ચહેરાઓ પસંદ કરવા જોઈએ. રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો અને તેની મુખ્ય હરીફ કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષ બદલીને વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 પર પહોંચી ગયું છે અને ભાજપ તમામ વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપે તેવી શક્યતા નથી. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના આગમનથી ભાજપ અને કોંગ્રેસ સામે નવો પડકાર ઉભો થયો છે. ત્યારે હવે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે.